રાજ્યની 27 સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં 108 અધ્યાપક સહાયકો (લો લેક્ચરર્સ)ની આઉટસોર્સિંગ એજન્સી મારફતે ભરતી કરવાના નિર્ણય પર ગુજરાત હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કર્યા બાદ રાજ્ય સરકારે આખરે નમતું જોખ્યું છે. હાઈકોર્ટની આકરી ફિટકાર અને સુઓ મોટો (સ્વયં સંજ્ઞાન) જાહેર હિતની અરજી (PIL) કરવાની ચીમકી બાદ શિક્ષણ વિભાગ અને નોલેજ ક્ધસોશિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા ખાનગી એજન્સીને આપેલો આશરે ₹13 કરોડનો વર્ક ઓર્ડર રદ્દ કરી દેવામાં આવ્યો છે.
પાટણના એક ઉમેદવાર દ્વારા આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ કારિયેલની બેન્ચે રાજ્ય સરકારના આ વલણ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “કોલેજના પ્રોફેસરો એ વર્ગ-4 ના કર્મચારીઓ નથી કે તેમની સેવાઓ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા લેવામાં આવે.”
ૠઙજઈ (ગુજરાત જાહેર સેવા આયોગ) જેવી બંધારણીય સંસ્થાને બાયપાસ કરીને ખાનગી એજન્સીઓ મારફતે શૈક્ષણિક ભરતી કરાવવાની કાયદેસરતા સામે કોર્ટે શંકા વ્યક્ત કરી હતી. ખાનગી એજન્સીઓ કયા ધોરણો આધારે ઉમેદવારોની પસંદગી કરશે અને તેનાથી કાનૂની શિક્ષણની ગુણવત્તા પર શું અસર પડશે તે અંગે પણ અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટે આ મુદ્દે સરકારને ચોક્કસ સ્ટેન્ડ સ્પષ્ટ કરવા 24 કલાકનો સમય આપ્યો હતો. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી અદાલતમાં KCG નો પત્ર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ખાનગી એજન્સીને આપવામાં આવેલો વર્ક ઓર્ડર અને ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરવામાં આવી છે. સરકારે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે હવે પછીની તમામ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર અથવા સરકાર હસ્તકની અધિકૃત એજન્સી મારફતે જ હાથ ધરવામાં આવશે. આ ખાતરી બાદ હાઈકોર્ટે સંબંધિત અરજીનો નિકાલ કર્યો હતો. આ નિર્ણયથી લો કોલેજોમાં આઉટસોર્સિંગને બદલે પારદર્શક અને સરકારી નીતિ-નિયમ મુજબ ભરતી થવાનો માર્ગ મોકળો થયો છે.
