વિછીયાના સનાળી ગામના પશુપાલકને સસ્તામાં ભેંસો ખરીદવાની લાલચ આપી સવા લાખની ઠગાઇ

વિંછીયા તાલુકાના સનાળી ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવે ભેંસો વેચવાની લાલચ આપી એક ખેડૂત સાથે રૂૂ. 1.25 લાખથી વધુની સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો…

વિંછીયા તાલુકાના સનાળી ગામે સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવે ભેંસો વેચવાની લાલચ આપી એક ખેડૂત સાથે રૂૂ. 1.25 લાખથી વધુની સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે વિંછીયા પોલીસ મથકે આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સનાળી ગામે બસ સ્ટેન્ડ પાછળ આવેલ પટેલ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા 32 વર્ષીય રાજેન્દ્રકુમાર હિંમતભાઈ ઓગાણજા ગત તા. 05 સપ્ટેમ્બરના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટમાં રીલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન “JAY PRAKASH JAT’ નામના એકાઉન્ટમાંથી 15 લીટર દૂધ આપતી ભેંસ માત્ર રૂૂ. 65,000માં હોમ ડિલિવરી સાથે આપવાની જાહેરાત વાળી રીલ્સ જોવા મળી હતી. ખેડૂતે દર્શાવેલ નંબર પર સંપર્ક કરતા સામા પક્ષેથી ભેંસોના વધુ વીડિયો, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ વોટ્સએપ પર મોકલી વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યારબાદ બે ભેંસોનો સોદો રૂૂ. 1,30,000માં નક્કી થયો હતો.

ઠગબાજે ડિપોઝિટ પેટે રૂૂ. 10,000, ટ્રાન્સપોર્ટ અને જીપીએસ ચાર્જ પેટે રૂૂ. 25,500 તેમજ ગુજરાત બોર્ડર ટેક્સ અને રિફંડ પ્રોસેસના બહાને વારંવાર અલગ-અલગ ગુગલ પે, ફોન પે અને પેટીએમ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટ મેનેજરની સહી કરાવવાના નામે પણ વધુ રકમ મેળવી લીધી હતી. ખેડૂતે પોતાના એસ.બી.આઈ. અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી તબક્કાવાર કુલ રૂૂ. 1,25,199 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.

નાણાં ચૂકવ્યા છતાં ભેંસોની ડિલિવરી ન મળતા અને વધુ નાણાંની માગણી ચાલુ રહેતા ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે તેમણે પ્રથમ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ વિંછીયા પોલીસ મથકે રૂૂબરૂૂ પહોંચી જય પ્રકાશ જાટ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ 318(4) અને આઈ.ટી. એક્ટ 66-ડી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. એ.સી. ડામોર ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *