જેતપુર શહેરમાં કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલી ‘આર.એમ. ટ્રેડીંગ’ નામની ડુંગળી અને લસણની પેઢી ધરાવતા સ્થાનિક વેપારી સાથે ગોધરાના બટાટાના વેપારીએ રૂૂ. 15,61,216 ની ઠગાઈ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગોધરાના એક શાકભાજી વેપારીએ વિશ્વાસ કેળવી અલગ-અલગ પાંચ ટ્રક ભરીને ડુંગળી અને લસણનો જથ્થો મંગાવ્યા બાદ અધૂરી રકમ ચૂકવી વેપાર બંધ કરીને ફરાર થઈ ગયો છે. આ મામલે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગોધરાના બટાટાના વેપારી સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળેલી માહિતી મુજબ, જેતપુરના ધોરાજી રોડ પર રહેતા અને ડુંગળી-લસણનો હોલસેલ વેપાર કરતા કલ્પેશભાઈ મહેશભાઈ ભાગવાણી (ઉ.વ. 36) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત ઓગસ્ટ માસમાં તેમના પરિચિત ડ્રાઈવર મારફતે ગોધરાના જહુપુરા શાકમાર્કેટ પાસે ‘શ્રીજી આલુ ભંડાર’ નામે વેપાર કરતા રાહુલભાઈનો સંપર્ક થયો હતો. રાહુલભાઈએ માલ ખરીદવાની ઈચ્છા દર્શાવતા વેપારી કલ્પેશભાઈએ જીએસટી નંબર અને આધાર કાર્ડ માંગ્યા હતા, પરંતુ તે આપ્યા વગર રાહુલભાઈએ પેમેન્ટ એક સપ્તાહમાં ચૂકવી દેવાની ખાતરી આપી માલ મોકલવા જણાવ્યું હતું. ગત તા. 18/08/2026 થી 27/08/2026 દરમિયાન ગોંડલ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાંથી અલગ-અલગ પાંચ ટ્રકો મારફતે કુલ 22,01,216 રૂૂપિયાની કિંમતનો ડુંગળી અને લસણનો જથ્થો ગોધરા ખાતે મોકલી આપ્યો હતો. આરોપી રાહુલભાઈએ અલગ-અલગ તારીખે પી.એમ. આંગણીયા પેઢી મારફતે કટકે-કટકે કુલ રૂૂ. 6,40,000 ની ચુકવણી કરી હતી. પરંતુ બાકી નીકળતા રૂૂ. 15,61,216 માટે અવારનવાર ચેક જમા થયાના કે બરોડાથી રૂૂપીયા લાવવાના બહાના બતાવ્યા હતા.
ગત 1 સપ્ટેમ્બરના રોજ આરોપીએ ફોન પર ‘ચોટીલા પહોંચી ગયો છું’ તેમ કહીને મોબાઈલ બંધ કરી દીધો હતો. શંકા જતાં વેપારી કલ્પેશભાઈ ગોધરા ખાતે તપાસ કરવા પહોંચતા આરોપી પોતાની ‘શ્રીજી આલુ ભંડાર’ નામની દુકાન બંધ કરીને છૂ થઈ ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે અંતે વેપારીએ જેતપુર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેતપુર સીટી પોલીસે કલ્પેશભાઈ ભાગવાણીની ફરિયાદના આધારે ગોધરાના રાહુલભાઈ વિરુદ્ધ છતરપિંડી અને વિશ્વાસઘાત હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
