ગુજરાત રાજ્ય તેમજ સેવાભાવી પ્રવૃત્તિઓ માટે જાણીતા સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ચક્ષુદાનના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે જાહેર આરોગ્ય અને સામાજિક જાગૃતિ ક્ષેત્રે ચિંતાનો વિષય બન્યો છે. સત્તાવાર આંકડાકીય વિગતો અનુસાર, રાજ્યભરમાં 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 દરમિયાન કુલ 5,939 ચક્ષુદાન નોંધાયા હતા, જે પછીના વર્ષે એટલે કે 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026 દરમિયાન ઘટીને 5,600 થઈ ગયા છે.
આમ, રાજ્ય સ્તરે એક જ વર્ષમાં 339 જેટલા ચક્ષુદાન ઘટ્યા છે, જ્યારે આ બે વર્ષમાં રાજ્યમાં કુલ 11,539 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. સુરત જિલ્લામાં પણ આ નકારાત્મક વલણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સુરત ખાતે 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 સુધીમાં 1,468 ચક્ષુદાન મેળવવામાં આવ્યા હતા, જે 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026ના ગાળામાં ઘટીને સીધા 1,177 પર આવી પહોંચ્યા હતા. સુરતમાં વાર્ષિક 291 ચક્ષુદાનનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આ બે વર્ષમાં સુરત જિલ્લામાં કુલ 2,645 ચક્ષુદાન નોંધાયા છે.
કોર્નિયલ અંધત્વથી પીડાતા હજારો દર્દીઓ માટે ચક્ષુદાન આશાનું એકમાત્ર કિરણ છે, ત્યારે આવા દાનમાં સતત ઘટાડો થવો એ ગંભીર પડકાર છે. મૃત્યુ બાદ સ્વજનોના ચક્ષુદાન કરાવવા અંગે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવી, હોસ્પિટલ સ્તરે સઘન કાઉન્સેલિંગ વધારવું અને સામાજિક તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જાગૃતિ અભિયાનને પુન: વેગવંતું બનાવવું અત્યંત જરૂૂરી બન્યું છે જેથી જરૂૂરિયાતમંદ દર્દીઓને સમયસર દ્રષ્ટિ મળી શકે.
