ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત અંગેની સત્તાવાર જાહેરાત આજે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિ શી શનિવારે બપોરે દિલ્હી પહોંચી શકે છે. સાંજે લગભગ 6 વાગ્યે ’ભારત મંડપમ’ ખાતે વડાપ્રધાન મોદી સાથે બેઠક થવાની સંભાવના છે.
BRICS સમિટ દરમિયાન ’ભારત મંડપમ’ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. ભારત-ચીન સંબંધો માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, લગભગ સાત વર્ષમાં ભારતીય ધરતી પર મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. ગલવાન સંઘર્ષ બાદ ભારતમાં તેમની આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક પણ હશે.
ભારત 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ’ભારત મંડપમ’ ખાતે 18મી BRICS સમિટનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે BRICSનું અધ્યક્ષપદ ભારત પાસે છે અને તેની થીમ “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ” છે.
