શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા વકીલે આર્થિક ભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા કેતનભાઇ ચંદ્રવદનભાઇ આચાર્ય નામના 58 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેતનભાઇ આચાર્ય બે ભાઇ એક બહેનમાં વચેટ છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી અંજલીબેન અજયકુમાર શર્મા નામની 34 વર્ષની પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી પાવડર પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
