ભાડુઆતો-મકાનમાલિકોના વિવાદો ટાળવા ‘રેન્ટ ઓથોરિટી’ની સ્થાપના કરાશે

મનસ્વી ડીપોઝીટ પર લગામ આવશે, મોઢે બોલેલા ભાડા કરાર પર પ્રતિબંધ, દરેક રહેણાંક- કોમર્શિયલ મિલકત માટે ભાડા કરાર થયાના 60 દિવસમાં ‘રેન્ટ ઓથોરિટી’ સમક્ષ નોંધાવવો…

મનસ્વી ડીપોઝીટ પર લગામ આવશે, મોઢે બોલેલા ભાડા કરાર પર પ્રતિબંધ, દરેક રહેણાંક- કોમર્શિયલ મિલકત માટે ભાડા કરાર થયાના 60 દિવસમાં ‘રેન્ટ ઓથોરિટી’ સમક્ષ નોંધાવવો ફરજિયાત

શહેરી વિસ્તારમાં મકાનમાલિકો અને ભાડૂઆતો વચ્ચે અવારનવાર થતા ઘર્ષણ અને વર્ષો સુધી અદાલતોમાં અટવાઈ પડતા કેસોનો કાયમી અંત લાવવાના ઉદ્દેશ્યથી નવો ભાડા કરાર કાયદાકીય માળખું અમલમાં લાવવામાં આવ્યું છે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ મકાનમાલિકોની મિલકતને ગેરકાયદે કબ્જાથી સુરક્ષિત કરવાનો અને સામે પક્ષે ભાડૂઆતોનું આર્થિક કે માનસિક શોષણ અટકાવી બંને પક્ષોને સમાન કાનૂની રક્ષણ પૂરું પાડવાનો છે.

નવા કાયદાકીય માળખા અનુસાર, હવેથી મોઢા-મોઢ બોલેલા કે બિન-અધિકૃત મૌખિક ભાડા કરારો કાયદાકીય રીતે માન્ય ગણાશે નહીં. દરેક રહેણાંક અને વ્યાવસાયિક મિલકત માટે લેખિત ભાડા કરાર કરવો અને તેની નકલ કરાર થયાના 60 દિવસની અંદર નિયુક્ત ‘રેન્ટ ઓથોરિટી’ સમક્ષ નોંધાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નોંધણી ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ કરી શકાશે, જેનાથી ભવિષ્યમાં થતા નાણાકીય કે માલિકી હકના વિવાદોમાં બંને પક્ષકારો માટે સ્પષ્ટ કાનૂની પુરાવો મળી રહેશે.

ભાડૂઆતો પાસેથી વસૂલવામાં આવતી મનસ્વી ડિપોઝિટ પર લગામ લગાવતા કાયદામાં સ્પષ્ટ આર્થિક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. રહેણાંક મિલકત માટે મકાનમાલિક ભાડૂઆત પાસેથી મહત્તમ બે મહિનાના ભાડા જેટલી જ સિક્યુરિટી ડિપોઝિટ લઈ શકશે, જ્યારે વ્યાવસાયિક મિલકત માટે વધુમાં વધુ છ મહિનાના ભાડા જેટલી ડિપોઝિટ વસૂલી શકાશે. આ ઉપરાંત, કરારની મુદત દરમિયાન મકાનમાલિક સ્વેચ્છાએ ભાડું વધારી શકશે નહીં અને વાર્ષિક ભાડા વધારાની શરત મૂળ કરારમાં દર્શાવીને વધારો અમલમાં મૂકતા પહેલાં ઓછામાં ઓછા 90 દિવસ અગાઉ લેખિત નોટિસ આપવી અનિવાર્ય રહેશે.

અચાનક મકાનમાલિક ઘરની મુલાકાત લઇ શકશે નહીં
ઘણીવાર મકાનમાલિકો દ્વારા અચાનક ચકાસણીના નામે ભાડૂઆતની અંગતતામાં ખલેલ પહોંચાડવામાં આવતી હોય છે. નવા કાયદા હેઠળ, મકાનમાલિકે મિલકતનું નિરીક્ષણ કે સમારકામ કરવા માટે ભાડૂઆતને ઓછામાં ઓછા 24 કલાક પહેલાં લેખિત નોટિસ આપવી પડશે, અને આ મુલાકાત માત્ર દિવસના યોગ્ય સમયે જ કરી શકાશે. મિલકતની જાળવણી સંદર્ભે છતનું લીકેજ, મોટું સ્ટ્રક્ચરલ સમારકામ કે મુખ્ય વાયરિંગ બદલવાની જવાબદારી મકાનમાલિકની રહેશે, જ્યારે ઘરમાં નાના-મોટા રોજિંદા સમારકામ ભાડૂઆતે કરવાના રહેશે. સામાન્ય ઘસારા માટે ડિપોઝિટમાંથી રકમ કાપી શકાશે નહીં, પરંતુ ભાડૂઆતની બેદરકારીથી થયેલા નુકસાનનું વળતર આપવું પડશે.

ભાડા વિવાદના કોર્ટ કેસ અટકાવવા રેન્ટ કોર્ટ, રેન્ટ ઓર્થોરિટી અને રેન્ટ ટ્રીબ્યુનલ રચાશે
સિવિલ કોર્ટમાં વર્ષો સુધી કેસો અટવાઈ ન રહે તે માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલની ત્રિ-સ્તરીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે 60 દિવસની અંદર વિવાદનો આખરી ઉકેલ લાવશે. જો કોઈ ભાડૂઆત સળંગ બે મહિના સુધી ભાડું ન ચૂકવે અથવા કરાર પૂરો થયા પછી પણ મિલકત ખાલી ન કરે, તો મકાનમાલિક રેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકે છે. કરાર સમાપ્ત થયા પછી ગેરકાયદે રહેતા ભાડૂઆત પાસેથી પ્રથમ બે મહિના માટે બે ગણું ભાડું અને ત્યારબાદ ચાર ગણું ભાડું દંડ સ્વરૂૂપે વસૂલવાનો માલિકને હક રહેશે, જ્યારે વિવાદ દરમિયાન માલિક ભાડૂઆતનું વીજળી કે પાણી જેવી પાયાની સુવિધાઓ બંધ કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *