શહેરમાં રેલનગર વિસ્તારમાં લગ્ન જીવનના આઠ માસમા જ સગર્ભાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં રહેતી જીયાબેન અમિતભાઇ રાઠોડ નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતા તેના માતા-પિતાની એકની એક દીકરી હતી. જીયાબેનના 8 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને જીયાબેનને હાલ ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યુ છે. બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આવેલા ભારતનગરમાં રહેતી વિજયતીદેવી ચંદ્રીકાભાઇ શાહુ નામની 36 વર્ષની પરિણીતાએ રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતા મુળ બિહારની વતની છે અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિએ રૂા.5 હજાર આપ્યા હતા. જે ઓછા પડતા ગળેફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
