સેમક્ધડક્ટર-એઆઇ-ડેટા સેન્ટર-ગિફટ સિટીમાં રોકાણના ઢગલા થશે!

આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર-પ્રસાર અને રોકાણ આકર્ષવાના હેતુથી અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસે ગયેલું ઉચ્ચ સ્તરીય…

આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર-પ્રસાર અને રોકાણ આકર્ષવાના હેતુથી અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસે ગયેલું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પરત ફર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ પધારતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે તેવા પ્રયાસો આ પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પરના અસીમ વિશ્વાસને કારણે વિદેશી રોકાણકારો ભારતમાં અને વિશેષ કરીને ગુજરાતમાં દરેક સેક્ટરમાં મૂડીરોકાણ કરવા આતુર છે. પ્રવાસ દરમિયાન સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડી.સી. અને ન્યૂયોર્ક ખાતે રોકાણકારો, ટેક્નોલોજી અગ્રણીઓ, યુવા ઉદ્યોગસાહસિકો, ઈનોવેટર્સ તેમજ ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠકો યોજાઈ હતી.

આ મુલાકાતમાં સેમિક્ધડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ઉપરાંત ગિફ્ટ સિટી માટે ફાઇનાન્સિયલ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ સાથેની ચર્ચા અત્યંત ફળદાયી રહી છે. ગ્લોબલ સમિટ 2027માં ઈન્વેસ્ટમેન્ટ, કોલેબોરેશન અને પાર્ટનરશિપ માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ વિદેશ પ્રવાસમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે તેમજ રાજ્યના ઉદ્યોગ-વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ સહભાગી બન્યું હતું.

મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં ઇન્ડેક્સ-બીના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત, અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત અને અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને તમામનું સ્વાગત કરી સફળ પ્રવાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *