ખેડૂતો માટે અકસ્માત વીમા સહિત વિવિધ આર્થિક સુરક્ષા યોજનાઓની જાહેરાત કરતા પ્રમુખ
યાત્રાધામ વીરપુર ગામ મુકામે લેઉવા પટેલ સમાજ ખાતે તા.26/08/2026ના રોજ વીરપુર જુથ સેવા સહકારી મંડળીની 71મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ દૂધ સંઘના ચેરમેન તથા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને છેલ્લા 32 વર્ષથી વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ફરજ બજાવતા ગોરધનભાઈ ધામેલીયાની આગેવાનીમાં યોજાયેલી આ સાધારણ સભામાં મંડળી સાથે જોડાયેલા આશરે 1600 ખેડૂત સભાસદો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે રાજ કોટનના પ્રમુખ લલિતભાઈ રાદડિયા, જેતપુર-નવાગઢ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ઉસદડિયા તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા ઉપસ્થિત રહ્યા હતા. સભામાં મંડળીના સંચાલક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, મંડળીએ ચાલુ વર્ષે કરકસરયુક્ત વહીવટ કરીને રૂૂ.49 લાખનો પાકો નફો મેળવ્યો છે. તેમજ સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને 15 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંડળીના અવસાન પામેલા એક સભાસદના વારસદારને રૂૂ.12 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મંડળી દ્વારા સભાસદ લક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતોને આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવાયું હતું. મંડળીના ઉપપ્રમુખ જનકભાઈ ડોબરીયાએ મંડળી સાથે જોડાયેલા વીરપુર, કાગવડ અને થોરાળા વિસ્તારના ખેડૂત સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી અભિવાદન કર્યું હતું. વીરપુર જુથ સેવા સહકારી મંડળીની 71મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીની આર્થિક પ્રગતિ સાથે ખેડૂતો અને સભાસદોના હિતમાં વિવિધ યોજનાઓની જાહેરાત થતા સભાસદોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
