સેટેલાઇટમાં વાદળોનો ગંજ દેખાયો, ફરી વરસાદની આશા

અંતરિક્ષમાંથી લેવાયેલી તાજેતરની સેટેલાઇટ તસવીરોમાં ભારતના વિશાળ વિસ્તારોમાં ચોમાસાના વાદળોનો મોટો જમાવડો જોવા મળ્યો છે, જે દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ ફરી સક્રિય થવાના સ્પષ્ટ…

અંતરિક્ષમાંથી લેવાયેલી તાજેતરની સેટેલાઇટ તસવીરોમાં ભારતના વિશાળ વિસ્તારોમાં ચોમાસાના વાદળોનો મોટો જમાવડો જોવા મળ્યો છે, જે દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ ફરી સક્રિય થવાના સ્પષ્ટ સંકેતો આપે છે.અહેવાલ અનુસાર, ઇનસેટ-3ડીએસ (INSAT-3DS) સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજમાં મધ્ય ભારત, ઇન્ડો-ગેંગેટિક મેદાનો અને પૂર્વીય રાજ્યો પર ઘટ્ટ વાદળોની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. આ વાદળો ડીપ ક્ધવેક્શન સાથે જોડાયેલા હોવાથી ગાજવીજ સાથે સારા વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ દર્શાવે છે.

હવામાનના અનુમાન મુજબ, ચોમાસાનું વિતરણ સમગ્ર દેશમાં એકસરખું રહેવાને બદલે અસમાન રહેવાની શક્યતા છે. પૂર્વ ભારત તરફ વાદળોનો મોટો પટ્ટો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો સુધી ફેલાયેલો છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વાદળોની સક્રિયતા જોવા મળી રહી છે.

પૂર્વીય ભારતમાં આ સક્રિય તબક્કો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ બે અઠવાડિયા સુધી યથાવત રહેવાની ધારણા છે, જેના કારણે નીચા દબાણના ક્ષેત્ર અને વાતાવરણીય પરિભ્રમણના આધારે મધ્યમથી ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે.

બીજી તરફ, દિલ્હી-NCR ના રહેવાસીઓ માટે છૂટાછવાયા વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન સર્જાતા ક્ધવેક્ટિવ વાદળોના કારણે મોડી બપોરે અથવા સાંજના સમયે સ્થાનિક સ્તરે હળવા કે મધ્યમ ઝાપટાં પડી શકે છે. જોકે, આ વરસાદ અત્યંત લોકલાઇઝ્ડ હોવાથી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડે અને નજીકના વિસ્તારો કોરા રહે તેવી સ્થિતિ બની શકે છે.

તેનાથી વિપરીત, ઉત્તર-પશ્ચિમ ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં પૂર્વીય ક્ષેત્રોની સરખામણીએ પ્રમાણમાં ઓછો વરસાદ અને સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. સેટેલાઇટ ડેટા દર્શાવે છે કે દેશના પૂર્વીય ભાગોમાં વરસાદનું જોર વધશે, જ્યારે અન્ય ભાગોમાં ધીમી ગતિ સાથે મર્યાદિત વરસાદી ગતિવિધિઓ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *