પાટીદાર ક્રાંતિના 11 વર્ષ: 10 ટકા અનામત મળ્યું પણ રાજકીય દબદબો ખતમ, શક્તિશાળી નેતાઓ કોરાણે ધકેલાઇ ગયા

ગુજરાતની રાજનીતિમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થતા આ આંદોલનની સફળતા-નિષ્ફળતા આંદોલનના પ્રણેતાઓ તેમજ પાટીદાર સમાજના રાજકીય નફા-નુકશાન…

ગુજરાતની રાજનીતિમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થતા આ આંદોલનની સફળતા-નિષ્ફળતા આંદોલનના પ્રણેતાઓ તેમજ પાટીદાર સમાજના રાજકીય નફા-નુકશાન અંગે ચર્ચાઓ સાથે હિસાબ-કિતાબ તાજા થયા છે.

વર્ષ 2015માં ઉભી થયેલી આ પાટીદારક્રાંતિમાં પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારનો ભોગ લેવાયો અને આર્થિક પછાત સવર્ણોને 10 ટકા અનામતની જોગવાઇ સહિત અનેક લાભ મળ્યા પરંતુ રાજકીયક્ષેત્રે પાટીદાર સમાજનું વજન ઘટી ગયું. ઇબીસીના લાભમાં નોકરીઓની તકો વચ્ચે રાજકારણમાંથી સમાજનો કાંકરો નીકળી ગયો તેવી સ્થિતિ સર્જાયાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.

ભાજપ એક સમયે પાટીદારોની પાર્ટી ગણાતી હતી પરંતુ સમયાંતર ભાજપમાંથી શક્તિશાળી અને સિનિયર નેતાઓ કોરાણે ધકેલાતા ગયા અને તેના સ્થાને નવા નેતાઓનો ઉદય થતો ગયો પરંતુ આજે પણ એક અવાજે સમગ્ર સમાજને ભેગો કરી શકે તેવો એક પણ શક્તિશાળી નેતા રહ્યો નથી. પાટીદાર સમાજ આજે પણ કોઇ શક્તિશાળી નેતાગીરીની શોધમાં છે.

પાટીદાર આંદોલનની આગમાં અનેક ‘રાજકીય’ તાપણા થયા હતા. આંદોલન ઉભુ કરનાર યુવાનો સારા ભવિષ્ય તરફ દોરી જશે તેવી આશાએ લાખો પાટીદાર યુવાનો આંદોલનમાં જોડાઇ ગયા અને દિલ્હી સુધી તેના પડધા પડયા. હાર્દિક પટેલ સહિતના આંદોલનના હિરો આજે રાજકીય લાભાલાભમાં ‘ગોઠવાઇ’ ગયા છે. પરંતુ સમાજને શું મળ્યુ તેનો ‘હિસાબ-કિતાબ’ આજે પણ મળતો નથી.

પાટીદાર ક્રાંતિના 11 વર્ષ પૂર્ણ થતાં સમાજમાં એક કડવી સત્યની ચર્ચા ફરી જોર પકડી છે. આંદોલનના પરિણામે શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા ઊઠજ અનામત સહિત અનેક યોજનાઓનો લાભ મળ્યો, પરંતુ રાજકીય ક્ષેત્રે પાટીદાર સમાજનું વજન નબળું પડી ગયું છે. ઘણાનું કહેવું છે કે નોકરીમાં તકો મળી, પણ રાજકારણમાં સમાજ કાંકરાની જેમ તરવાઈ ગયો.

2015માં હાર્દિક પટેલના નેતૃત્વમાં શરૂૂ થયેલા આંદોલનનું મૂળ ધ્યેય આર્થિક રીતે નબળા પાટીદારોને શિક્ષણ અને સરકારી નોકરીમાં તકો અપાવવાનું હતું. બિનઅનામત આયોગ-નિગમની રચના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વાર્ષિક ₹1,000 કરોડની જોગવાઈ, સરકારી નોકરીમાં વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ અને છેવટે દેશભરમાં 10 ટકા ઊઠજ અનામત જેવા નિર્ણયો આવ્યા. આજે પણ અનેક યુવાનો કહે છે કે આંદોલનને કારણે તેમને નોકરી કે એડમિશન મળ્યું.

જોકે, રાજકીય મોરચે ચિત્ર સંપૂર્ણપણે અલગ છે. આંદોલનના સમયે જે સમાજ એકતાથી સડક પર ઊતર્યો હતો, તે આજે વિવિધ પક્ષોમાં વહેંચાઈ ગયો છે. હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ વળ્યા પછી ભાજપમાં જોડાયા અને વિધાનસભા સભ્ય બન્યા. તેની સાથે અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ધાર્મિક માલવિયા જેવા આગેવાનો પણ અલગ-અલગ દિશામાં વળી ગયા. કેટલાક ભાજપમાં રહ્યા, કેટલાક સ્વતંત્ર માર્ગે ચાલ્યા અને કેટલાક નવા મોરચા કે સંગઠનો બનાવીને અલગ પડ્યા. પરિણામે સમાજનું એકત્રિત રાજકીય નેતૃત્વ ઓગળી ગયું.

આ વિખેરણની શરૂૂઆત આંદોલનના તાત્કાલિક પછીના રાજકીય ફેરફારોથી થઈ હતી. પાટીદાર સમાજના આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, પરંતુ આંદોલનની તીવ્રતા અને રાજકીય દબાણ બાદ તેમણે રાજીનામું આપ્યું. ત્યારબાદ વિજય રૂૂપાણી સરકારની રચના થઈ.

રૂૂપાણી સરકારમાં પાટીદાર મંત્રીઓની સંખ્યા અગાઉની સરખામણીએ ઘટી ગઈ, જેને સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વમાં ઘટાડા તરીકે જોવામાં આવ્યું. આ ઘટનાએ પાટીદાર સમાજમાં અસંતોષ વધાર્યો અને નેતૃત્વ વધુ વિભાજિત બન્યું.

ચૂંટણીઓમાં આ વિખેરણ સ્પષ્ટ દેખાય છે. પાટીદાર બહુમતી વિસ્તારોમાં ઉમેદવારો અલગ-અલગ પક્ષોમાંથી ઉભા થાય છે. મતો વહેંચાઈ જાય છે અને સમાજનો સંયુક્ત દબાણબળ ઘટી જાય છે. સ્થાનિક સ્તરે પણ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આંતરિક સ્પર્ધા જોવા મળે છે, જેનાથી અન્ય સમાજોને ફાયદો થાય છે.

સમાજના કેટલાક વર્ગોનું કહેવું છે કે આંદોલનની સફળતા માત્ર નીતિગત લાભ સુધી મર્યાદિત રહી. રાજકીય સત્તા અને નિર્ણય પ્રક્રિયામાં પાટીદાર સમાજનો પ્રભાવ અપેક્ષા મુજબ વધ્યો નથી. નોકરી મળી ગઈ, પણ રાજકારણમાં કાંકરાની જેમ તરવાઈ ગયા, એવી ટિપ્પણી ઘણા યુવાનો અને સ્થાનિક આગેવાનોમાં સંભળાય છે.
બીજી તરફ, કેટલાક નેતાઓનું માનવું છે કે રાજકીય વિખેરણ લોકશાહીની સામાન્ય પ્રક્રિયા છે. તેઓ કહે છે કે સમાજે હવે ઊઠજ અનામત અને અન્ય યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરીને આર્થિક-શૈક્ષણિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.11 વર્ષ બાદ પણ પાટીદાર સમાજ સામે મોટો પડકાર એ જ છે કે આંદોલનની એકતાને રાજકીય સ્તરે કેવી રીતે પુનજીર્વિત કરવી. જ્યાં સુધી નેતૃત્વ વિભાજિત રહેશે અને મતો વહેંચાતા રહેશે, ત્યાં સુધી સમાજનું રાજકીય વજન મર્યાદિત જ રહેશે. એકતા અને સંગઠિત દિશા વગર પાટીદાર સમાજનું રાજકીય ભવિષ્ય અનિશ્ચિત જ રહેવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *