તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા પાસેથી ચાર્જ છીનવાયો

રાજકોટ સ્થિત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ એક જુનિયર તબીબ પર થયેલા ગંભીર હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી બનાવ અને વહીવટી…

રાજકોટ સ્થિત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં હાલમાં જ એક જુનિયર તબીબ પર થયેલા ગંભીર હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી બનાવ અને વહીવટી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાને પદ ઉપરથી હટાવી તેમના સ્થાને ડો.કમલ ડોડીયાને ચાર્જ સોપ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર હુકમ અનુસાર, હોસ્પિટલના ઇનચાર્જ તબીબી અધિક્ષક અને પ્લાસ્ટિક એન્ડ રીક્ધસ્ટ્રક્ટિવ સર્જરી વિભાગના પ્રાધ્યાપક (વર્ગ-1) ડો. મોનાલી માંકડિયાને વહીવટી કારણોસર તબીબી અધિક્ષક (વર્ગ-1)ના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
તબીબ પરના હુમલા બાદ સર્જાયેલી અસંતોષજનક પરિસ્થિતિ અને વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકારે અનુભવી તબીબ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ડો. મોનાલી માંકડિયાના સ્થાને હવે ઓપ્થલ્મોલોજી (આંખના રોગો) વિભાગના પ્રાધ્યાપક (વર્ગ-1) ડો. કમલ ડોડિયાની નવી નિમણૂક કરવામાં આવી છે. ડો. ડોડિયાને તેમની મૂળ ફરજો ઉપરાંત પી.ડી.યુ. મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષક (વર્ગ-1)ની ખાલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

તાજેતરમાં જુનિયર તબીબ પર થયેલા હુમલાને પગલે સિવિલ હોસ્પિટલના તબીબો, રેસિડન્ટ ડોક્ટર્સ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. આ ઘટના બાદ તબીબી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તબીબોની સુવિધાઓ અને હોસ્પિટલના વહીવટમાં સુધારો લાવવા માટે સરકારે આ મોટો પ્રશાશનિક ફેરફાર કર્યો હોવાનું માનવામાં આવે છે.

નવા નિમણૂક પામેલા 23માં તબીબી અધિક્ષક ડો. કમલ ડોડિયા આવતીકાલે ચાર્જ સંભાળશે, તેમની સામે હવે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની સાથે સાથે તબીબોનો વિશ્વાસ પુન:સ્થાપિત કરવાનો અને દર્દીઓને સુચારુ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો મુખ્ય પડકાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *