બોટાદમાં પ્રવાસે આવેલા 40 છાત્રોની તબીયત લથડી

સાબરકાંઠાના તાલોદથી પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓ માટે બોટાદની મુલાકાત ચિંતાજનક બની હતી. મોડી રાત્રે બોટાદ પહોંચતા જ 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને અચાનક તાવ અને શરદીના લક્ષણો…

સાબરકાંઠાના તાલોદથી પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓ માટે બોટાદની મુલાકાત ચિંતાજનક બની હતી. મોડી રાત્રે બોટાદ પહોંચતા જ 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને અચાનક તાવ અને શરદીના લક્ષણો જણાતાં તબિયત લથડી હતી, જેના પગલે તમામને તાત્કાલિક બોટાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં બેડની અછત અને અપૂરતી સુવિધાઓને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે બોટાદ રિક્ષા એસોસિએશને માનવતા દાખવીને મોડી રાત્રે વિદ્યાર્થીઓની મદદે પહોંચી ચાદરો અને જરૂૂરી વ્યવસ્થા પૂરી પાડી હતી.

તાલોદ ખાતેથી બે બસોમાં આશરે 90 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા. મોડી રાત્રે જ્યારે આ બસ બોટાદ પહોંચી ત્યારે વાતાવરણમાં પલટા અથવા મુસાફરીના થાકના કારણે એકપછી એક વિદ્યાર્થીઓની તબિયત બગડવા લાગી હતી. 35થી 40 જેટલા બાળકોને તાવ, શરદી અને અસ્વસ્થતાના લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

એકસાથે મોટી સંખ્યામાં બાળ દર્દીઓ આવતા હોસ્પિટલ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં લવાયેલા વિદ્યાર્થીઓ માટે યોગ્ય સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. દર્દીઓની સંખ્યા સામે બેડ ઓછા પડતા એક-એક બેડ પર બબ્બે-ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને રાખવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં પૂરતી ચાદર કે પાથરણાં પણ ન હોવાના આક્ષેપો સામે આવ્યા હતા.

આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ ’બોટાદ રિક્ષા એસોસિએશન’ના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. રિક્ષા ચાલકોએ પોતાની ગંતવ્ય સેવા બાજુએ મૂકી રાત્રે 2 વાગ્યા સુધી રોકાઈને વિદ્યાર્થીઓ માટે 35થી 40 ચાદરોની વ્યવસ્થા કરી આપી હતી. આ ઘટના બાદ બોટાદ સિવિલ હોસ્પિટલની સુવિધાઓ સામે અનેક સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *