શહેરમાં રેસકોર્ષ રીંગરોડ પર શ્રીમંતપાર્કમાં રહેતા અને પૂર્વ ડે. મેયરના ભત્રીજા મોરબી રોડ પર પોતાના ડેલે હતા. ત્યારે રખડતુ ભટકતુ જીવન જીવતા કૌટૂંબિક ભાઇને દરરોજ રૂપિયા વાપરવા આપતા હતા. પરંતુ આજે નહીં આપતા કૌટૂંબિક ભાઇએ વેપારી ઉપર છરી વડે હુમલો કર્યો હતોે. જે દરમિયાન લોકોએ હુમલાખોરને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો. જયારે ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેસકોર્ષ રીંગરોડ પર શ્રીમંતપાર્કમાં રહેતા દિનેશભાઇ મનસુખભાઇ દુધાત્રા નામના 44 વર્ષના પ્રૌઢ સવારના સાડા દસેક વાગ્યાના અરસામા મોરબી રોડ જકાતનાકા પાસે આવેલા પોતાના ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાયવુડના ડેલે હતા. ત્યારે કૌટૂંબિક ભાઇ પરસોત્તમ ગોવિંદભાઇ પટેલે ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી દીધો હતો. દિનેશભાઇ દુધાત્રાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલા દિનેશભાઇ દુધાત્રા પૂર્વ ડે.મેયર વલ્લભભાઇ દુધાત્રાના ભત્રીજા થાય છે અને મોરબી રોડ પર ગાયત્રી સ્ટીલ એન્ડ પ્લાયવુડના નામે ધંધો કરે છે. હુમલાખોર પરસોત્તભાઇ પટેલ દિનેશભાઇ દુધાત્રાના કૌટૂંબિક ભાઇ થાય છે. પરસોત્તમભાઇ બે દિકરીના લગ્ન બાદ પત્નીને કાઢી મુકી છે અને પરસોત્તમભાઇ રખડતુ ભટકતુ જીવન જીવે છે. જેથી દિનેશભાઇ દુધાત્રા અવાર નવાર પરસોત્તમભાઇને વાપરવા માટે રૂપિયા આપતા હતા.
પરંતુ આજે રૂપિયા નહીં આપતા ઉશ્કેરાયેલા કૌટૂંબિક ભાઇ પરસોત્તમભાઇએ છરીથી હુમલો કરી લીધો હતો. જે દરમિયાન એકઠા થયેલા લોકોએ પરસોત્તમભાઇને ઝડપી લઇ પોલીસે હવાલે કર્યો હતો. પરસોત્તમભાઇ અગાઉ છ મહિના પહેલા છરી અને ધોકા સાથે ઝડપાતા તેની વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કૌટૂંબિક ભાઇ પર હુમલો કર્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
