ધ્રાંગધ્રામાં બેંકના પૂર્વ મેનેજરે 1.72 કરોડની 67 બોગસ લોન લઇ લીધી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં એક સનસનાટીભર્યો કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર ગાંધીનગરના સુઘડમાં રહેતા નિખીલભાઈ ગૌતમભાઈ…

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં એક સનસનાટીભર્યો કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકના પૂર્વ મેનેજર ગાંધીનગરના સુઘડમાં રહેતા નિખીલભાઈ ગૌતમભાઈ પ્રજાપતિ વિરૂૂદ્ધ રૂૂ. 1,72,95,000ની નાણાકીય ઉચાપત આચરવા બદલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર ફેલાઇ છે. વર્તમાન બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ પરશોતમભાઈ ચાવડાએ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી મેનેજરે તા. 10-5-2024થી તા. 21-11-2025 એટલે કે અંદાજે 18 મહિના અને 11 દિવસના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે ખાતેદારોની જાણ બહાર ખોટા કાગળો, બનાવટી દસ્તાવેજો તથા બોગસ સહીઓ ઊભી કરી કિસાન ક્રેડિટ કાર્ડ એનિમલ હસબન્ડરી તથા ઊંઈઈ રવિ પાક ધિરાણના આશરે 67 જેટલા ખોટા લોન ખાતાઓ ખોલી નાખ્યા હતા. આ ખાતાઓ મારફતે કુલ રૂૂ. 1,72,95,000ની રકમ બારોબાર ઉપાડી લઈ મોટી નાણાકીય ગેરરીતિ આચરી હતી.

બેંકના આંતરિક તપાસ અને ઓડિટ દરમિયાન આ સમગ્ર કૌભાંડ ખુલ્લું પડતાં બેંક તંત્ર ચોંકી ઊઠ્યું હતું. બેંક દ્વારા હાલ વ્યાજ સહિતની રકમની રિકવરી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે અને સાથે જ પૂર્વ મેનેજર સામે કાનૂની શંકજો કસવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના જણાવ્યા મુજબ, હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. જેમાં બેંકના અન્ય કર્મચારીઓ કે બહારના વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી રહી છે. આ ષડયંત્રમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના નામે પણ ખોટા દસ્તાવેજો અને બનાવટી સહીઓ તૈયાર કરી લોનની રકમ પોતાના અંગત ખાતા કે સ્વાર્થ માટે સરકાવી લેવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *