HPCLની લાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરી કરાતી, ગુજરાત ATSના ઓપરેશનમાં ત્રણ રાજ્યોમાંથી 8 શખ્સોની ધરપકડ
ગુજરાત એટીએસે એચપીસીએલની પાઈપલાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે કુવાડવા નજીકથી એક આરોપી ઝડપાયા બાદ તપાસ કરતા ટોળકીના યુપી અને રાજસ્થાન સભ્યોની સંડોવણી ખુલ્યા બાદ રાજસ્થાનના ઢાબા પરથી વધુ 7 આરોપી ઝડપાયા હતા. રાજસ્થાન નજીક પસાર થતી એચપીસીએલની પાઈપલાઈનમાં કાલુડી ગામની સીમમાં 3-4 ફૂટ ખાડો ખોદી ગેરકાયદેસર વાલ્વ લગાવી ઓઈલ ચોરી થતી હતી અને ચોરી કરેલું ઓઈલ અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાવતરામાં સંડોવાયેલા ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મળીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત એટીએસ ના ડી.વાય.એસ.પી એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે, ગુજરાત તથા રાજસ્થાનના કેટલાક શખ્સો ભેગા મળીને રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં ખરાબાની જમીનમાંથી પસાર થતી એચપીસીએલની કૃડ ઓઇલ પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે પંચર પાડીને ઓઇલની મોટી ચોરી કરી રહ્યા છે. આ ચોરાયેલું કૃડ ઓઇલ ગુજરાતમાં લાવી અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગેરકાયદેસર રીતે વેચવાનું એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી એટીએસ ના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એસપી કે. સિદ્ધાર્થના સીધા માર્ગદર્શન હેઠળ પી.આઈ જે. ડી. બારોટ, પીએસઆઈ બી.બી. પરમાર, એચ.ડી. વાઢેર, દિસેશ ચૌધરી તથા એસટીસના સ્ટાફની એક વિશેષ ટીમ બનાવી સમગ્ર નેટવર્ક પર વોચ ગોઠવવામાં આવી હતી.
એટીએસની ટીમે પ્રથમ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કૂવાડવા નજીક આવેલા સોખડા ગામ જવાના રસ્તા પરથી જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમાને ઝડપી લીધો હતો, તેની પાસે રહેલા કૃડ ઓઇલના જથ્થા અંગે સઘન પૂછપરછ કરતા તેણે ખુલાસો કર્યો હતો કે આ ઓઇલ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામ ખાતેથી ચોરી કરીને લાવવામાં આવ્યું છે. જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમાની પૂછપરછમાં મળેલી ચોક્કસ વિગતોના આધારે એટીએસ ની ટીમ તુરંત રાજસ્થાન રવાના થઈ હતી. રાજસ્થાનના ટાપરા નજીક આવેલા એક ઢાબા પર દરોડો પાડીને આ કાવતરામાં સંડોવાયેલા અન્ય 07 શખ્સોની પણ અટકાયત કરવામાં આવી હતી.
જેમાં ઘનશ્યામ નવીનચંદ્ર સોની (ઉં.વ. 54, રહે. નાગલપુર, મહેસાણા, ગુજરાત),મુકેશ કુમાર શંકરલાલ મેઘવાલ (ઉં.વ. 44, રહે. જસવંતપુરા, જાલોર, રાજસ્થાન; હાલ રહે. પાબુનગર, અમદાવાદ, ગુજરાત),રણજિત રામધની ચોરસિયા (ઉં.વ. 48, રહે. કલોલ, ગાંધીનગર, ગુજરાત),રમેશ પ્રહલાદજી ઠાકુર (ઉં.વ. 41, રહે. ચાલાસણ, મહેસાણા, ગુજરાત),સુરેજી ભોપાજી ઠાકુર (ઉં.વ. 32, રહે. જોટાણા, મહેસાણા, ગુજરાત),મહેશ બાબુજી ઠાકુર (ઉં.વ. 32, રહે. ચાલાસણ, મહેસાણા, ગુજરાત),દિલિપ ઓમપ્રકાશ યાદવ (ઉં.વ. 35, રહે. અસપુર, ઇટાવા, ઉત્તર પ્રદેશ)ને ઝડપી લીધા હતા.
તમામની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના પરપાદર તાલુકાના કાલુડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3 થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો. ત્યાંથી જતી એચપીસીએલની કૃડ ઓઇલ પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે પંચર પાડીને તેમાં ખાસ વાલ્વ બેસાડી દીધો હતો, જેથી નિયમિતપણે ઓઇલ ચોરી કરી શકાય. ત્યારબાદ એચપીસીએલ ના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવી રાજસ્થાન પોલીસને સાથે રાખી તપાસ કરતા જમીનમાં ઊંડો ખાડો અને પાઇપલાઇનમાં પંચર કરી લગાવેલો વાલ્વ મળી આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ અંગે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ આંતરરાજ્ય ચોરી કૌભાંડમાં સામેલ અન્ય મદદગારો અને ઓઇલ ખરીદનારા નેટવર્ક અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
