ઓસ્ટ્રેલિયાની IT કારકિર્દી છોડી ગીર સોમનાથના યુવાને સ્થાપ્યું ગૌયોગ કેન્દ્ર

  વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામ ના ઓસ્ટ્રેલિયામાં IT અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરનાર ગીર સોમનાથના યુવાન હિતેશ પંપાણિયાએ વિદેશની કારકિર્દી છોડીને પોતાના વતન પરત ફરી…

 

વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામ ના ઓસ્ટ્રેલિયામાં IT અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરનાર ગીર સોમનાથના યુવાન હિતેશ પંપાણિયાએ વિદેશની કારકિર્દી છોડીને પોતાના વતન પરત ફરી ખેડૂત, ગાય, માટી અને પ્રકૃતિ માટે કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો. આ વિચાર સાથે તેમણે બાદલપરા ગામમાં ગૌયોગ કેન્દ્ર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી.

આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત ગાય આધારિત ખેતી પદ્ધતિને જોડીને શરૂૂ કરાયેલી આ પહેલ દ્વારા માત્ર એક વર્ષમાં 4,000થી વધુ ખેડૂતોને કુદરતી ખેતી સાથે જોડવામાં આવ્યા છે. ગૌયોગ કેન્દ્રના જણાવ્યા મુજબ, હાલમાં આશરે 35,000 બીઘા ખેતીની જમીન પર ઘનજીવામૃત અને અન્ય કુદરતી ખેતી ઇનપુટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

હિતેશ પંપાણિયાએ ઓસ્ટ્રેલિયામાં રહેતાં ઈંઝ, ડિજિટલ ટેક્નોલોજી અને ઑનલાઇન બિઝનેસ સિસ્ટમનો અનુભવ મેળવ્યો હતો. વતન પરત ફર્યા બાદ તેમણે આ અનુભવનો ઉપયોગ ખેડૂતોને માત્ર કુદરતી ખેતી સાથે જ નહીં, પરંતુ ડિજિટલ માર્કેટ અને સીધા ગ્રાહકો સાથે જોડવા માટે કર્યો. તેમના નેતૃત્વ હેઠળ ગૌયોગ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે એક ઑનલાઇન FPO અને ડિજિટલ માર્કેટિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ખેડૂતોને પોતાની વ્યક્તિગત વેબ પ્રોફાઇલ, ખેતરનું સ્થાન, ખેતીની માહિતી, ઓર્ગેનિક સર્ટિફિકેટ અને ઉત્પાદનો રજૂ કરવાની સુવિધા આપવામાં આવે છે. દરેક જોડાયેલા ખેડૂતને પોતાની અલગ ડિજિટલ લિંક આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ગ્રાહકો ખેડૂત અને તેના ખેતર વિશે માહિતી મેળવીને તેના કુદરતી ઉત્પાદનો સીધા ખરીદી શકે.

ગૌયોગ કેન્દ્રની ટીમે એક વર્ષના ટૂંકા સમયગાળામાં ગીર સોમનાથ સહિત વિવિધ વિસ્તારોમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક કર્યો છે. ખેડૂતોને કુદરતી ખેતીની સમજ, ઘનજીવામૃતના ઉપયોગની પદ્ધતિ અને જમીનની ગુણવત્તા સુધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગૌયોગ કેન્દ્રના સ્થાપક અને ડિરેક્ટર હિતેશ પંપાણિયાએ જણાવ્યું હતું કે, માત્ર એક વર્ષમાં 4,000થી વધુ ખેડૂતો અને 35,000 બીઘા જમીન સુધી પહોંચવું અમારા માટે મોટી જવાબદારી છે. અમે ગુજરાતના વધુ ખેડૂતોને કુદરતી ખેતી સાથે જોડવા અને તેમના ઉત્પાદનોને ઑનલાઇન બજાર પૂરું પાડવા માટે કાર્ય કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં સ્થિર IT કારકિર્દી બાદ વતન પરત ફરી કુદરતી ખેતી, ગૌસેવા, મહિલા રોજગાર અને ગ્રામ વિકાસ માટે કાર્ય શરૂૂ કરનાર હિતેશ પંપાણિયાની સફર યુવાનો માટે પણ પ્રેરણાદાયક બની છે.

 

ગૌયોગ કેન્દ્રની પ્રતિમાસ 100 ટન ઉત્પાદન ક્ષમતા
બાદલપરા ખાતે કાર્યરત ગૌયોગ કેન્દ્રનું ઉત્પાદન એકમ પ્રતિ માસ અંદાજે 100 ટન સુધી કુદરતી ખેતી ઇનપુટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં ગીર ગાયના ગોબર, ગૌમૂત્ર અને અન્ય કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને ઘનજીવામૃત, ગોબર સ્લરી, બાયોચાર, અમૃત માટી, કોકોપીટ અને જમીન સુધારક કુદરતી ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ઘનજીવામૃત અને ગોબર સ્લરી જમીનમાં લાભદાયી સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધારવા, જમીનનું બંધારણ સુધારવા અને પાકને કુદરતી રીતે પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બની શકે છે. બાયોચાર જમીનમાં કાર્બન, ભેજ અને પોષક તત્ત્વો જાળવી રાખવામાં ઉપયોગી બને છે.

37 ગ્રામ્ય મહિલાઓને રોજગારી
હાલમાં અંદાજે 37 ગ્રામ્ય મહિલાઓ ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ અને અન્ય કામગીરી સાથે જોડાયેલી છે. આ મહિલાઓને પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં રોજગાર મળતાં તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *