કાલાવડ રોડ સ્વિમિંગ પુલ બન્યો લોહી તરસ્યો, તરવૈયાના પગ લોહીલુહાણ

  રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની રીતસરની ગુનાહિત બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રાજકોટના પોશ ગણાતા કાલાવડ રોડ પર…

 

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની રીતસરની ગુનાહિત બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રાજકોટના પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલો મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ હવે નિર્દોષ નાગરિકો અને તરવૈયાઓ માટે કોઈ કાળમુખા ‘ડેથ ટ્રેપ’ સમાન બની ગયો છે. દરરોજ ફિટનેસ અને શોખ માટે આવતા નિર્દોષ લોકો અહીં મોતના ઓછાયા હેઠળ સ્વિમિંગ કરવા મજબૂર બન્યા છે. આજે આ પુલમાં વધુ એક તરવૈયો ગંભીર રીતે લોહીલુહાણ થયો હતો. સ્વિમિંગ પુલના તળિયેથી ટાઇલ્સ (લાદીઓ) એવી રીતે ઉખડી ગઈ છે કે તે પાણીની અંદર છુપાયેલી જીવલેણ છરીઓ જેવી ભયાનક બની ગઈ છે.

સ્વિમિંગ પુલની ભયાનક વાસ્તવિકતા એ છે કે તેના તળિયે ઉખડેલી લાદીઓની ધાર તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ અને ધારદાર થઈ ચૂકી છે. પાણીમાં ઉતરેલા તરવૈયાઓને ખબર પણ નથી હોતી કે કઈ ક્ષણે આ ધારદાર લાદીઓ તેમના શરીરને ચીરી નાખશે. પરિસ્થિતિ એટલી હદે નાજુક અને જોખમી છે કે જો કોઈ નાગરિક કે યુવાન ભૂલથી પણ પુલની અંદર ‘ડીપ ડ્રાઈવ’ (ઊંડી ડૂબકી) લગાવે, તો કાં તો તેનું માથું ફાટી જાય અથવા તો ગળાની મુખ્ય નસ કપાઈ જતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજે એવી પૂરેપૂરી સંભાવના છે. શું મનપાનું તંત્ર કોઈ પરિવારનો માળો વિખેરાઈ જાય તેની રાહ જોઈ રહ્યું છે? નાગરિકો સવાલ પૂછી રહ્યા છે કે ટેક્સના કરોડો રૂૂપિયા વસૂલતું તંત્ર આટલી ગંભીર બાબતે કેમ મૌન ધારણ કરીને બેઠું છે?

સૌથી વધુ ચોંકાવનારી અને શરમજનક બાબત તો એ છે કે આ સ્વિમિંગ પુલના રીનોવેશન માટે છેલ્લા દોઢ વર્ષથી સતત અને ઉગ્ર માંગણીઓ કરવામાં આવી રહી છે. પુલની આ જર્જરિત અને ખતરનાક હાલત અંગે મનપાની બાંધકામ શાખાને એક કે બે વાર નહીં, પરંતુ અનેક વખત લેખિત પત્રો મોકલીને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, એસી કેબિનોમાં બેસતા મનપાના અંધ અને બહેરા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જનતાના જીવના જોખમે પત્રોને કચરાપેટીમાં નાખી દેવાની આ માનસિકતા જ બતાવે છે કે તંત્રને લોકહિત કે લોકોના જીવની કોઈ કિંમત જ નથી.

આ આખીય બાબતને અત્યંત હળવાશથી લઈને ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે, જે કોઈપણ કાળે સાંખી શકાય તેમ નથી. બાંધકામ શાખા એવો જવાબ આપે છે કે, પુલ રિનોવેશન કરવા માટે ભંડોળ નથી! મનપાના કમિશનર અને પદાધિકારીઓ ગંભીરતા નહીં લે તો કોઇના મોતથી મનપાના કપાળે કાળી ટીલી લાગશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને તેના માટે સંપૂર્ણપણે જવાબદાર મનપાની બાંધકામ શાખા અને નીતિઓ રહેશે. તંત્ર તાત્કાલિક અસરથી આ સ્વિમિંગ પુલને બંધ કરાવી તેનું યુદ્ધના ધોરણે રીનોવેશન શરૂૂ કરે તે જ હિતાવહ છે, અન્યથા લોહીલુહાણ થયેલા નાગરિકોનો આક્રોશ આગામી દિવસોમાં મનપા કચેરીએ મોટો ભડકો કરશે તે નક્કી છે. કોઈનો જીવ જાય તે પહેલાં જ આ જોખમી પુલની હાલત સુધારવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.

જ્યાં VIP મહાશયો જાય છે તે રેસકોર્સ સ્વિમિંગ પુલ ટૂંકાગાળામાં લાખોના ખર્ચે બબ્બે વખત રિનોવેશન થયો

રેસકોર્સ સ્વીમીંગ પુલમાં વીઆઇપી બેન્ચ અલગથી હોય છે. અહીં ક્લાસ વન સહિતના સરકારી બાબુઓ, રાજકીય નેતાઓ જાય છે. એટલા માટે આ પુલ ટુંકાગાળામાં જ બબ્બે વખત રિનોવેશન થયો. જ્યારે કાલાવડ રોડ સ્વીમીંગ પુલ તંત્ર માટે અડખામણો હોય તેમ આ પુલ જોખમી બની ગયો હોવા છતા રિનોવેશન માટેની ગંભીરતા લેવામા આવતી નથી. કાલાવડ રોડ સ્વીમીંગ પુલ 20 વર્ષ જેનો છે. એકપણ વખત મરામત કરવામા આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *