આજીડેમ ચોકડી પાસે આવેલ ઓમ તીરૂમાલા પાર્કમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવાને કામ ધંધો નહીં ચાલતા આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલ ઓમ તીરૂમાલા પાર્કમાં રહેતા જયદીપભાઇ ભગવાનભાઇ ચૌધરી નામનો 26 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો.
ત્યારે લાકડાની આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જયદીપ ચૌધરી મુળ મહારાષ્ટ્રનો વતની અને બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. જયદીપ ચૌધરી પ્લમ્બરનું કામ કરતો હતો. પરંતુ કામ ધંધો નહીં ચાલતા આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
