અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકાથી મોટી કાનૂની રાહત મળી છે. ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકન કોર્ટમાં ચાલતા ગુનાહિત આરોપોને કોર્ટે ફગાવી દીધા છે. ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપતા આ કેસ બંધ કરવાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા, ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ન્યાયિક પ્રણાલી અને ‘કાયદાના શાસન’માં તેમનો વિશ્વાસ હંમેશા અટલ રહ્યો છે. આ ચુકાદા બાદ, અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી એકવાર મજબૂત થયો છે, અને આ કંપનીઓના શેરના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.
https://x.com/ANI/status/2086959611249398215
આ મહત્ત્વપૂર્ણ નિર્ણય બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર પોતાની પ્રતિક્રિયા આપતા ન્યાયપ્રણાલી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પડકારજનક સમયમાં સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસનમાં તેમનો વિશ્વાસ હંમેશાં અડીખમ રહ્યો છે. તેમણે તેમના જૂથ, કાનૂની પ્રણાલી અને “ન્યાય માટેની ભારતની ક્ષમતા” માં વિશ્વાસ જાળવી રાખનારાઓનો પણ આભાર વ્યક્ત કર્યો.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ)ના ખુલાસાથી સંતોષ માનીને જજે સ્પષ્ટ કર્યું કે આરોપો રદ કરવાનો આ નિર્ણય સંપૂર્ણપણે કાયદાના દાયરામાં અને ન્યાયના સિદ્ધાંતો મુજબ જ લેવાયો છે. DoJએ પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે અદાણી ગ્રુપ સામેનો આ કેસ કાયદાકીય રીતે નબળો હતો અને અમેરિકાના અધિકારક્ષેત્રની બહારનો હોવાથી, તે ક્યારેય દાખલ જ નહોતો થવો જોઈતો.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DoJ) કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘આ કેસ પૂરેપૂરો ભારત સાથે જ સંકળાયેલો હતો. તેમાં ભારતીય અધિકારીઓ, ભારતીય કંપનીઓ અને ભારતમાં વીજળી પૂરી પાડવાના કરારો જ મુખ્ય બાબત હતા. અમેરિકાએ ‘વિશ્વના પોલીસ’ બનીને અન્ય દેશોના મામલામાં પડવું ન જોઈએ, કારણ કે તેનાથી રાજદ્વારી સંબંધો વણસે છે અને સમય તથા સંસાધનોનો ખોટો બગાડ થાય છે. ભારત પોતાની આંતરિક બાબતો અને કાયદાકીય વ્યવસ્થાને અમેરિકન પ્રોસિક્યુટર્સ કરતાં વધુ સારી રીતે સંભાળી શકે છે. આથી જ અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા સિક્યોરિટીઝ ફ્રોડના આરોપોનો કોઈ નક્કર કાયદાકીય આધાર નહોતો.’
આ કેસમાં ગૌતમ અદાણી અને અન્ય આરોપીઓ સામે લાંચ અને છેતરપિંડી સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. વર્ષ 2024માં અમેરિકી પ્રોસિક્યુટર્સે આરોપ મૂક્યો હતો કે અદાણીએ ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાની કથિત યોજના સાથે સંમતિ દર્શાવી હતી, જેથી અદાણી ગ્રુપની એક કંપનીને સોલર એનર્જી પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મળી શકે.જોકે, અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીએ શરૂઆતથી જ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
