ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં 10મી ઓગસ્ટે શોર્ટ સર્કિટથી આગ લાગી. ધુમાડાના ગોટેગોટા જોઈ કર્મચારીઓમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મોટી હોનારત ટળી, જોકે વાયરિંગને નુકસાન થયું છે. વધુ તપાસ શરૂૂ કરાઈ છે.
ગાંધીનગર સ્થિત સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ઘટનાસ્થળે હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સુરક્ષાકર્મીઓની ત્વરિત કામગીરીને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને સમયસર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી.
પ્રાથમિક તપાસમાં વાયરિંગ અથવા ઈલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે આગ અન્ય ભાગોમાં પ્રસરે તે પહેલાં જ ઠારી દેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
