અણીયારામાં કારખાનામાંથી 550 કિલો ‘એનાલોગ’ પનીર-ચીઝનો જથ્થો પકડાયો

રાજકોટ નજીક આવેલ અણિયારા ગામ પાસે ડી. કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતા એક કારખાના પર એસઓજી દ્વારા દરોડો પાડીને મોટી માત્રામાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરનો…

રાજકોટ નજીક આવેલ અણિયારા ગામ પાસે ડી. કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલતા એક કારખાના પર એસઓજી દ્વારા દરોડો પાડીને મોટી માત્રામાં એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સરકારે તાજેતરમાં જ એનાલોગ ચીઝ અને પનીરના ઉપયોગ તથા ઉત્પાદન પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં, આ કારખાનામાં પ્રતિબંધિત જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી દરમિયાન અંદાજે 400 કિલોગ્રામ એનાલોગ ચીઝ 150 કિલોગ્રામ એનાલોગ પનીર મળીને 550 કિલોગ્રામ અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ નજીક અણિયારા ગામ પાસે આવેલ ડી. કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્લોટ નંબર 2 ખાતે ‘ગોવાલીયા ફૂડ પ્રોડક્ટ’ નામનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં મોટા પાયે એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરનું ઉત્પાદન અને સંગ્રહ થતો હોવાની ચોક્કસ બાતમી એસઓજીના દિગ્વિજયસિંહ ગોહિલ અને યોગેન્દ્રસિંહ ઝાલા મળી હતી. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને તાત્કાલિક ધોરણે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારખાનામાંથી 400 કિલોગ્રામ એનાલોગ ચીઝ અને 150 કિલોગ્રામ એનાલોગ પનીર મળીને 550 કિલોગ્રામ એનાલોગ પ્રોડક્ટ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર જથ્થાની કુલ બજાર કિંમત આશરે રૂૂપિયા 1.86 લાખ ગણવામાં આવી છે.

દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સ્થળ પરથી નિયમ મુજબના નમૂના મેળવ્યા હતા. ત્યારબાદ બાકીનો તમામ 550 કિલો એનાલોગ ચીઝ અને પનીરનો અખાદ્ય જથ્થો સ્થળ પર જ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલને તાત્કાલિક પૃથ્થકરણ માટે લેબોરેટરી ટેસ્ટિંગ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ મામલે એસઓજી દ્વારા કારખાનાના માલિક હસનવાડી શેરી નં. 2માં રહેતા અશોક જેન્તીલાલ દલવાડી (ઉં.વ.53) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂૂ કરવામાં આવી છે.

ફૂડ વિભાગના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ તેમની સામે વધુ કડક કાનૂની પગલાં ભરાશે.નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત 5 ઓગસ્ટના રોજ એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણય બાદથી જ તંત્ર દ્વારા ઠેર-ઠેર તપાસ અને દરોડાની કામગીરી ચલાવવામાં આવી રહી છે. સરકારે પ્રતિબંધ મૂક્યો તે પહેલાં જ હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે સ્પષ્ટ સૂચના આપી હતી કે જો તેઓ એનાલોગ ચીઝ કે પનીરનો ઉપયોગ કરતા હોય તો ગ્રાહકોની જાણકારી માટે બોર્ડ મૂકવું ફરજિયાત રહેશે.

પરંતુ મોટાભાગના રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટના માલિકો આ સૂચનાઓને ઘોળીને પી ગયા હતા અને ગ્રાહકોને અસલી ચીઝ-પનીરના નામે વેજિટેબલ ઓઇલ અને કેમિકલયુક્ત (એનાલોગ) પ્રોડક્ટ્સ પીરસવાનું ચાલુ રાખ્યું હતું. આખરે પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાન ધ્યાનમાં રાખીને સરકારે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો હતો.અણિયારા ખાતે આવેલા ’ગોવાલીયા ફૂડ પ્રોડક્ટ’માં મોટા પાયે આ એનાલોગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન થતું હતું. 5 ઓગસ્ટે પ્રતિબંધ આવ્યા બાદ કારખાનામાં પડેલો જથ્થો વેચાયા વગરનો પડ્યો રહ્યો હતો. નિયમ મુજબ આ જથ્થાનો સ્વૈચ્છિક નાશ કરવાનો હતો, પરંતુ કારખાનાના માલિક દ્વારા આ જથ્થાનો નાશ કરવાને બદલે તેનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો, જેથી તક મળતાં જ તેનો નિકાલ કરી શકાય.

હવે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કારખાના માલિક સામે આગળની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એસઓજી અને ફૂડ વિભાગની આ આક્રમક કામગીરીથી અસલીના નામે નકલી અને કેમિકલયુક્ત ખાદ્યચીજો વેચતા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ: પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી (ક્રાઇમ) બી.બી. બસીયાની સુચનાથી એસઓજીના પી. આઈ એન.બી.ચૌધરી ,પીએસ આઈ વી. વી. ધ્રાંગુ તથા એ.એસ. આઇ. ઇન્દ્રસિંહ જાડેજા , ફિરોજ ભાઈ રાઠોડ , મૌલિકભાઇ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ , હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા અને મહાવીરસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *