સ્થાનિકોમાં ફફડાટ, પેટ્રોલિંગ કરાવવા પોલીસને રજૂઆત
લીંબડી શહેરમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા એક જ રાતમાં 5 બંધ મકાનોને નિશાન બનાવતા સમગ્ર શહેરમાં ભારે સનસનાટી મચી ગઈ છે. તસ્કરોએ ઘરના નકુચા તોડી અંદર પ્રવેશી સોનાનો ચેઇન અને રોકડ રકમ સફાચટ કરી પલાયન થઈ ગયા છે.
લીંબડી શહેરના ગોલેતરપામાં રહેતા સમીર મહેશભાઈ જાની, ચિત્રવાળો ખાંચો વિસ્તારમાં રહેતા નવીન સોની અને માળીવાડમાં રહેતા નીરવ દરજીના મકાનમાં તસ્કરોએ નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો. ત્રણેય મકાનોમાંથી ચોરોએ ઘરવખરીને ભારે નુકસાન પહોંચાડી વેરવિખેર કરી નાખી હતી.
બીજી તરફ, જીનપરામાં મહેશ ખાદલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જ્યાંથી 50,000 રોકડા તથા દોઢ તોલા સોનાના ચેઇનની ચોરી કરી ગયા હતા. આજ વિસ્તારમાં રહેતા શૈલેશભાઈના મકાનમાંથી 20,000ની રોકડ રકમ ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. એક જ રાતમાં પાંચ મકાનોમાં ચોરીની ઘટનાથી ભયભીત બનેલા શહેરીજનો અને ભોગ બનનારોએ શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની ઉગ્ર માગ કરી છે. ઘટનાની જાણ થતાં પીઆઈ ગિરિરાજસિંહ પરમાર અને પોલીસ ટીમે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને ચોરોનું સુરાગ મેળવવા દિશામાં તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. મારા સસરાને બોટાદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એટલે ગુરુવારે હું પરિવાર સાથે એમની ખબર પુછવા ગયો હતો. શુક્રવારે સવારે મને લીંબડીથી ફોન આવ્યો કે તમારા ઘરનું તાળું તૂટ્યું છે. મેં ઘરે આવીને જોયું તો દોઢેક તોલા સોનાનો ચેઈન અને 50 હજારની રોકડ ગુમ હતી.
