સંસદમાં વિપક્ષના સતત વિરોધ વચ્ચે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શુક્રવારે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનો મજબૂત બચાવ કર્યો, કહ્યું કે શાહ દરરોજ ગૃહમાં હાજરી આપે છે અને ચેતવણી આપી હતી કે જ્યારે તેઓ બોલે છે ત્યારે વિપક્ષ તેમના જવાબનો સામનો કરી શકશે નહીં. શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ કોંગ્રેસની ટીકા કરતા, રિજિજુએ કહ્યું કે ગૃહમંત્રી એક એવા નેતા છે જેનું નામ જ આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓમાં ભય ફેલાવે છે.
નીટ પેપર લીક વિવાદ પર 20 જુલાઈના રોજ સંસદ તરફ કૂચ કરી રહેલા વિરોધીઓ સામે પોલીસ કાર્યવાહી પર વિપક્ષે કેન્દ્રીય ગૃહમંત્રીની સંસદમાં હાજરી અને તેમના તરફથી નિવેદનની માંગણી કરી ત્યારે રિજિજુની ટિપ્પણી આવી. આ મુદ્દા પર બંને ગૃહોમાં કાર્યવાહી વારંવાર ખોરવાઈ ગઈ હતી. “તેઓ હોબાળો મચાવે છે અને પછી ગાયબ થઈ જાય છે. ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે સંસદમાં આવે છે અને મોડી રાત્રે જ પાછા ફરે છે. તેઓ આખો દિવસ સંસદમાં રહે છે. તેઓ જે રીતે વર્તન કરી રહ્યા છે તે ખોટું છે,” રિજિજુએ કહ્યું. ગૃહમાં શાહ હાજર રહેવાની વિપક્ષની માંગને નકારી કાઢતા, રિજિજુએ કહ્યું કે જ્યારે તેમના મંત્રાલય સંબંધિત કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે મંત્રી કાર્યવાહીમાં હાજરી આપે છે.
“તમે નક્કી કરી શકતા નથી કે કયા મંત્રીએ ગૃહમાં આવવું જોઈએ અથવા કોણે જવાબ આપવો જોઈએ. તે અધ્યક્ષ અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે,” તેમણે કહ્યું. લોકસભા મુલતવી રાખ્યા પછી, રિજિજુ, જે બંને ગૃહોમાં વિપક્ષના વિરોધ પ્રદર્શન પર સરકારના પ્રતિભાવમાં મોખરે રહ્યા છે, તેઓ સંસદની અંદર શાહને મળ્યા હતા. એ પછી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે પણ બેઠક થઇ હતી.
નીટ પેપર લીક અને અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરીના આરોપને લઈને વિપક્ષના સતત વિરોધ વચ્ચે શુક્રવારે લોકસભા અને રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. ભારે હોબાળા વચ્ચે, લોકસભાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલ, 2026 ને ચર્ચા વિના પસાર કર્યું, જ્યારે સૂચિબદ્ધ કાગળો અને સંસદીય સમિતિઓના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. સૂત્રોચ્ચાર ચાલુ રહેતા, બંને ગૃહોને આખરે સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરીના કથિત કેસને લઈને શુક્રવારે વિપક્ષના સાંસદોએ સંસદ ભવનના સંકુલમાં મકર દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર કથિત પોલીસ કાર્યવાહી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી નિવેદન માંગ્યું. વરસાદ છતાં, છત્રીઓ અને પ્લેકાર્ડ લઈને આવેલા સાંસદોએ કેન્દ્ર વિરુદ્ધ “અમિત શાહ જવાબ દો” જેવા સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના સાંસદ કે સી વેણુગોપાલે પેલેટ ગન અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના કથિત ઉપયોગ બદલ અમિત શાહના રાજીનામા અથવા સંસદમાં માફીની માંગ કરી.
મૈં હું ના: મમતા, ઉદ્ધવના બાગી સાંસદોને મોદીની ખાતરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનારા સાંસદો સાથે નાસ્તાની બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, પીએમ મોદીએ સાંસદોને સંસદીય ચર્ચાઓમાં સક્રિયપણે ભાગ લેવાનું સૂચન કર્યું. સાંસદોને આશ્વાસન આપતા પીએમ મોદીએ કહ્યું, “કોઈએ ચિંતા કરવાની જરૂૂર નથી; હું તમારી સાથે છું.” પીએમ મોદીએ કહ્યું કે એનડીએ એક પરિવાર છે. તેમણે તાજેતરમાં શિવસેનામાં જોડાયેલા છ સાંસદો સાથે એક અલગ બેઠક યોજી હતી. વધુમાં, પીએમ મોદીએ સાંસદોને તેમના સંબંધિત રાજ્યોના વિકાસ માટે કામ કરવાની સલાહ આપી, ભાર મૂક્યો કે રાષ્ટ્રની પ્રગતિ રાજ્યોની પ્રગતિ પર આધારિત છે.
