જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને મેકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા મૂળ આંધ્રપ્રદેશના 26 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી મચી ગઈ હતી. બનાવ અંગે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત મોતની નોંધ કરી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની નોંધ મુજબ મૂળ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના પેન્ડુર્થી વિસ્તારના વતની પવનકુમાર શ્રીહરી ગુડુપલ્લી (ઉંમર 26) જામનગરના પટેલ કોલોની શેરી નં. 6માં રાધાકૃષ્ણ મંદિર પાસે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટના રૂૂમ નં. 102માં રહેતા હતા અને મેકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા.
ગત તા. 7 ઓગસ્ટના રાત્રિના સમયે કોઈ પણ સમયે પવનકુમારે પોતાના રૂૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં સી ટી વી ડિવિઝન પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે વજગોળ પોતાની પોલીસ ટિમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સમક્ષ નોંધાવવામાં આવેલી હકીકત મુજબ પવનકુમારને તેની જૂની પ્રેમિકા રોઝા ફોન કરતી હતી, પરંતુ તે તેની સાથે વાત કરવા માંગતો ન હતો.પવનકુમારે પોતાના હાથે રૂૂમમાં જઈ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું પોલીસની નોંધમાં જણાવાયું છે.
આ બનાવ અંગે લીખીતા ગીરિબાબુ બુડુમુરૂૂ (ઉંમર 24), જે પવનકુમાર સાથે જ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા હતા, તેમની જાણના આધારે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં બી.એન. એસ. એસ.ની કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે મૃતક પોતાની જૂની પ્રેમિકાને છોડીને હાલ જામનગર નવી પ્રેમિકા સાથે રહેતા હોવાથી તાજેતરમાં જૂની પ્રેમિકા વિશેની જાણ થઈ જતાં પોતાનો નવો સંબંધ તૂટી જશે એવા ડરના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.
