રાજકોટ SOGએ કરેલ સૂચનના આધારે ‘એનાલોગ’ પનીર પર પ્રતિબંધ

  ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવા માં આવેલા સેમ્પલની તપાસમાં…

 

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએથી લેવા માં આવેલા સેમ્પલની તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થતા સરકારે તાત્કાલીક અસરથી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરમાં અગાઉ ઝડપાયેલા બનાવટી તથા ભે ભેળસેળયુક્ત નકલી પનીરના મોટા જથ્થા બાદ પોલીસ અને ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા ગ્રાહકોના હિતમાં એક અતિ મહત્વનો અને નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ રાજકોટ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખા દ્વારા કરવામાં આવેલી વિશેષ રજૂઆતના મહત્વની સાબિત થઇ હતી. એસઓજીએ ફેબ્રુઆરી 2025માં કરેલી લેખિત દરખાસ્તને આધારે ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન દ્વારા સમગ્ર રાજ્યમાં એનાલોગ પનીરના ભ્રામક વેચાણ પર અંકુશ લાવવા અને ગ્રાહકોના હિતમાં પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના તત્કાલીન ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ શહેર એસઓજી શાખાના તત્કાલીન પી.આઈ એસ.એમ.જાડેજા અને પીએસઆઈ એસ. બી. ઘાસુરા દ્વારા ફેબ્રુઆરી 2025માં વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીના ખાદ્ય વિશ્ર્લેષક ને એક લેખિત વિનંતી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં એસઓજી દ્વારા સ્પષ્ટપણે જણાવાયું હતું કે, હાલમાં બજારમાં ઓરિજિનલ પનીર જેવા જ દેખાતા પરંતુ વનસ્પતિ ફેટ , સ્ટાર્ચ અને અન્ય રાસાયણિક તત્વોથી બનેલા ’એનાલોગ’ ખાદ્ય પદાથોનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે. આવા પદાર્થો દેખાવમાં અસલી પનીર જેવા જ લાગે છે, પરંતુ તેમના પોષક તત્વો અને ગુણધર્મો સાચા પનીર કરતા સાવ ભિન્ન હોય છે.

સાધારણ ગ્રાહક ખરીદી કરતી વખતે અસલી પનીર અને એનાલોગ વચ્ચેનો તફાવત પારખી શકતો નથી. આથી ગ્રાહકોની આરોગ્ય સુરક્ષા જળવાઈ રહે, લોકો જોખમથી ચેતે અને વેપારી તથા ગ્રાહક વચ્ચે પારદર્શિતા રહે તે માટે તમામ ફૂડ સ્ટોર્સ, ડેરીઓ, મીઠાઈની દુકાનો, મંડીઓ અને રેસ્ટોરન્ટ્સ ખાતે “આ પ્રોડક્ટ એનાલોગ ખાદ્ય પદાર્થ છે” તેવા જાહેર સૂચનાત્મક બોર્ડ લગાવવાની કડક તજવીજ કરવા સૂચન કરાયું હતું. રાજકોટ એસઓજીની આ રજૂઆત અને ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લઈને ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર, ગુજરાત રાજ્ય (ગાંધીનગર) દ્વારા વિશેષ અભિયાન રૂૂપે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.

જેમાં મેન્યુકાર્ડ અને નોટિસ બોર્ડ પર તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના એકમોએ તેઓ વાનગીઓમાં જે પનીર વાપરે છે તે ઓરિજિનલ પનીર છે કે “એનાલોગ તે અંગે ગ્રાહકો સ્પષ્ટપણે જોઈ શકે તે રીતે મેન્યુકાર્ડ અને નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવું ફરજિયાત રહેશે. તેમજ દૂધના સ્થાને વનસ્પતિ ફેટ કે સ્ટાર્ચનો ઉપયોગ કરીને બનાવેલા ઉત્પાદનને “પનીર” તરીકે વેચવું એ કાયદેસરનો ગંભીર ગુનો હોય લેબલિંગમાં પારદર્શિતા માટે પેકેજિંગ પર ઉત્પાદનના ઘટકો, ગુણવત્તા અને પ્રકૃતિની સાચી માહિતી દર્શાવવી અનિવાર્ય કરી હતી જેથી ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય. રાજ્ય સરકારે ચાર મહિના પહેલા હોટલ અને રેસ્ટોરન્ટમાં જે પનીર વાપરવામાં આવે છે તે એનાલોગ છે કે મિલ્ક પનીર છે તેનું બોર્ડ લગાવવાનો આદેશ કર્યો હતો.

હવે સરકારે એનાલોગ પનીરના ઉપયોગ પર જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેસિગ્નેટેડ ઓફિસર દ્વારા આ સુચનને આધારે ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા રાજ્યભરમાં હોટેલો, રેસ્ટોરન્ટો અને વેચાણ કેન્દ્રો પર આકસ્મિક નિરીક્ષણ અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અલગ અલગ વિસ્તારમાંથી લીધેલા સેમ્પલની લેબોરેટરી તપાસ દરમિયાન નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાન પર આવ્યું.

લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની કોઈપણ રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપર માર્કેટ કે વેપારી એનાલોગ પનીર, ચીઝ કે બટરનું ઉત્પાદન, વેચાણ કે હેરફેર કરી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.હોટેલ-રેસ્ટોરન્ટ અને વેપારીઓને માત્ર અસલી પનીર વાપરવા સૂચના રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ માલિકો, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સને માત્ર નિયમોનુસારનું અસલી પનીર વેચવા તથા રસોઈમાં તેનો ઉપયોગ કરવા સખત સૂચના આપવામાં આવી છે.

આ પનીર ખાવાલાયક જ નથી: આરોગ્યમંત્રી
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ ક્ધટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા છેલ્લા ચાર મહિનાથી રાજ્યભરમાંથી કૃત્રિમ અને એનાલોગ પનીરના નમૂનાઓ લેવામાં આવી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે અને તે ખાવા યોગ્ય પણ નથી. તેમાં કોઈ જ પ્રકારનું પોષણ નથી. આથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અટકાવવા સરકારે આજના દિવસથી જ તેના ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી પર સંપૂર્ણ બાન લાદી દીધો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રતિબંધનો અનાદર કરનાર કે કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરામાં આકરી કાનૂની કાર્યવાહી અને જેલવાસ સુધીની સજા કરવામાં આવશે. બજારમાં સસ્તા અને નકલી એનાલોગ પ્રોડક્ટ્સ આવી જવાથી ગ્રાહકો છેતરાતા હતા, કારણ કે ગ્રાહક એવું જ માનીને ખરીદી કરતો હતો કે તે દૂધમાંથી બનેલું શુદ્ધ પનીર ખાઈ રહ્યો છે. બીજી તરફ, કૃત્રિમ બનાવટોને કારણે સાચા પશુપાલકો અને ડેરી ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. આથી સરકારે આ નિવારક પગલું ભરીને ડેરી ક્ષેત્રને મોટો સપોર્ટ આપ્યો છે.

ગ્રાહકોને પણ જાગૃત રહેવા અપીલ

તંત્ર દ્વારા જાહેર જનતા અને ગ્રાહકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ બજારમાંથી કે હોટેલ-રેસ્ટોરન્ટમાં પનીર કે પનીર આધારિત વાનગી ખરીદતી વખતે લેબલ તથા મેન્યુકાર્ડ પર આપેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચે. જો કોઈ જગ્યાએ શંકાસ્પદ કે ભ્રામક ઉત્પાદનનું વેચાણ થતું જણાય તો તુરંત જ નજીકની ખાદ્ય સુરક્ષા કચેરી નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ પણ આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જે એનાલોગ ચીઝને અસલી ડેરી ચીઝ તરીકે વેચે છે તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી ગણવામાં આવશે. વધુમાં, તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ અન્યાયી વેપાર પ્રથા ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *