સુરતમાં ધારાસભ્યની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે મારામારી

સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ…

સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈ મારવા દોડ્યા, જેમાં મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફેક્ચર થયું છે.

વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) માં આવેલી ભાતની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ, અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતામાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો.
બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપો કર્યા હતા.

ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતાં વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. હાજર લોકો કઈ સમજે તે પહેલાં જ ઝપાઝપીમાં મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર થઈ ગયું હતું. હાજર કોર્પોરેટરો અને ધારાસભ્યએ મધ્યસ્થતા કરીને બંનેને માંડ છૂટા પાડ્યા હતા. હાથ અને આંગળીમાં ફેક્ચર થવાને કારણે મનહર વોરાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા.

પક્ષના જ બે જૂથો વચ્ચે ધારાસભ્યની ઓફિસમાં થયેલી મારામારી અને નેતાના પતિને પહોંચેલી શારીરિક ઈજાઓના સમાચાર વાયુવેગે સુરતથી ગાંધીનગર સુધી પહોંચી ગયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ડિમોલિશન અને ટીપી વિભાગના નિર્ણયોને લઈને ચાલતી આંતરિક ખેંચતાણમાં હવે નેતાઓ એકબીજાના હાડકાં ભાંગવા સુધી પહોંચી ગયા છે. આ બનાવ સંદર્ભે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.

હજુ તો હોદ્દો સંભાળ્યાને માંડ ત્રણ મહિના થયા છે અને પાંચ વર્ષનો કાર્યકાળ બાકી છે, ત્યારે પોતાની જ પક્ષના નેતા દ્વારા આવું વર્તન કરાતાં જયશ્રીબેન અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે રડતાં રડતાં ઉમેર્યું હતું કે, જો હુમલા દરમિયાન તેમના પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોત તો ભારે અનર્થ થઈ જાત. હજુ સુધી આ બાબત દબાવવાનો પ્રયાસ થતો હતો પણ ઈજા ગંભીર હોવાથી તેમણે અવાજ ઉઠાવવો પડ્યો છે. આ અન્યાય સામે તેમને ન્યાય મળવો જ જોઈએ તે માટે તેમણે ઉપર પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત અને ફરિયાદો કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *