શ્રાવણ માસના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર ’વંદે સોમનાથ’ કલા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક ગૌરવ અને કલા પરંપરાને…

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર ’વંદે સોમનાથ’ કલા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક ગૌરવ અને કલા પરંપરાને પુનજીર્વિત કરવાનો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સોમનાથ તીર્થ આધ્યાત્મિક અને સુવિધાસભર યાત્રાધામ તરીકે વિકસ્યું છે. ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ જેવી પહેલોથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શ્રાવણ માસ દરમિયાન યોજાઈ રહેલો ’વંદે સોમનાથ’ કલા મહોત્સવ ભક્તિ અને ભારતીય સંસ્કૃતિનો અનોખો સંગમ રચી રહ્યો છે.

ઇતિહાસ મુજબ, સદીઓ પહેલાં સોમનાથ મહાદેવના દરબારમાં નર્તક-નર્તકીઓ દ્વારા નટરાજ મહાદેવની કલા આરાધના થતી હતી. આ પરંપરાને ફરી જીવંત કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ મહોત્સવનું આયોજન કરાયું છે.

આ વર્ષે મહોત્સવ કુલ છ ચરણમાં યોજાશે. પ્રથમ કાર્યક્રમ 3 ઓગસ્ટે યોજાઈ ગયો છે. આગામી કાર્યક્રમો 10 ઓગસ્ટ તેમજ શ્રાવણ માસના દરેક સોમવારે 17, 24, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ચોપાટી ગ્રાઉન્ડ, પ્રોમોનેડ વોક-વે અને સાગરદર્શન ભવન ખાતેના ત્રણ વિશેષ મંચો પર સંગીત, ગાયન, નૃત્ય અને પ્રકાશ વ્યવસ્થા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે.

મહોત્સવના પ્રથમ ચરણમાં નાદત્રયી સમૂહ, અભિનયા નાગજ્યોતિ દ્વારા કૂચીપુડી, અંશિકા અગ્રવાલ અને ઋષિકેશ મજમુદાર દ્વારા બાંસુરીવાદન, સંગીતા ચેટર્જી દ્વારા કથક તથા મયંક પંડ્યાના માણ ભટ્ટના આખ્યાન સહિત વિવિધ કલાત્મક રજૂઆતો દ્વારા મહાદેવની કલા આરાધના કરવામાં આવી હતી. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આ કાર્યક્રમને નિહાળી કલાકારોને બિરદાવ્યા હતા.

’વંદે સોમનાથ’ માત્ર કલા મહોત્સવ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પ્રાચીન વારસાના પુનર્જાગરણનું પ્રતીક બની રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં ભક્તિ અને કલાનો ત્રિવેણી સંગમ યાત્રાળુઓને અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *