વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી કરી આત્મહત્યા

  જામનગર જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતના મોતનો બનાવ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો…

 

જામનગર જિલ્લામાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં વધુ એક ખેડૂતના મોતનો બનાવ સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના સતિયા ગામના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતિયા ગામના 65 વર્ષીય ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણે પોતાની ખેતીનો પાક નિષ્ફળ જતાં માનસિક તણાવમાં આવી 10 જુલાઈના રોજ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી.પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ ગાંગજીભાઈ ચૌહાણે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

મૃતક ખેડૂત ધનજીભાઈ વર્ષોથી ખેતીવાડી સંભાળતા હતા, અને તેમના બે પુત્ર પણ ખેતી કામમાં મદદ કરે છે. જેઓની જમીનમાં તાજેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચાયો હોવાથી તેઓનો પાક નિષ્ફળ જતાં ગાંગજીભાઈએ આખરે દેવાના ડુંગરમાં ફસાઈ જવાના બદલે મોતને મીઠું કરી લીધુ હતું.

ચાલુ ચોમાસામાં પાક નિષ્ફળ જવાની ચિંતાને પગલે જિલ્લામાં સામે આવેલા આ બનાવે ખેડૂત વર્ગમાં ચિંતા વ્યાપી છે. જોકે મોતના ચોક્કસ કારણો અંગે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *