‘ફિક્સ પે’ મામલે 14 વર્ષથી પડતર SLPનો સત્વરે ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટને અપીલ

રાજ્યના સરકારી કર્મચારીઓએ 5 વર્ષની ફિક્સ પે નીતિ સામે સુપ્રીમ કોર્ટમાં ઝડપી ન્યાયની ગુહાર લગાવી છે. મનોજ દાતલા નામના કર્મચારીએ CJIને ઇમેઇલ કરીને 14 વર્ષથી…

રાજ્યના સરકારી કર્મચારીઓએ 5 વર્ષની ફિક્સ પે નીતિ સામે સુપ્રીમ કોર્ટમાં ઝડપી ન્યાયની ગુહાર લગાવી છે. મનોજ દાતલા નામના કર્મચારીએ CJIને ઇમેઇલ કરીને 14 વર્ષથી પડતર SLPની તાત્કાલિક સુનાવણીની અપીલ કરી. હજારો કર્મચારીઓના ભવિષ્યનો સવાલ હોવાથી, વિશેષ બેન્ચ દ્વારા આ કેસનો ઝડપી નિકાલ થાય તેવી માંગ કરાઈ છે.

રાજ્ય સરકારની 5 વર્ષની ફિક્સ પે નીતિ સામે રાજ્યના સરકારી કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઝડપી ન્યાયની ગુહાર લગાવી છે. મનોજ દાતલા નામના સરકારી કર્મચારીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ને ઈમેલ મોકલીને છેલ્લા 14 વર્ષથી પડતર રહેલી સ્પેશિયલ લીવ પિટિશન (SLP) ની અંતિમ સુનાવણી સત્વરે કરવા અપીલ કરી છે. અરજદારે પત્રમાં જણાવ્યા નુસાર, અમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (ૠઙજઈ), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) સહિતની સરકારી એજન્સીઓ દ્વારા નિયમિત ભરતી પ્રક્રિયા મારફતે 5 વર્ષની ફિક્સ પે નીતિ હેઠળ નિમણૂક પામેલા કર્મચારી છે. આ વિનંતી પત્ર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સમક્ષ પડતર SLP (સિવિલ) નં. 14124 -14125/2012 ના સંદર્ભમાં મોકલવામાં આવ્યો છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા લાંબા સમયથી પડતર સિવિલ અને ક્રિમિનલ કેસોના નિકાલ માટે વિશેષ બેન્ચની રચના કરવામાં આવી છે. આ નિર્ણયથી ન્યાયની રાહ જોતા હજારો લોકોને નવી આશા જાગી છે, જેથી આ કેસની પણ યોગ્ય બેન્ચ સમક્ષ ઝડપી અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
અરજદારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ માત્ર એક સામાન્ય કાનૂની વિવાદ નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી સેવામાં પ્રવેશેલા હજારો કર્મચારીઓના જીવન અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે આ બાબતે તમામ બંધારણીય અને કાનૂની મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ વિગતવાર ચુકાદો આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા 14 વર્ષથી પેન્ડિંગ હોવાથી કર્મચારીઓ લાંબા સમયથી અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે. વિશેષ બેન્ચની રચના બાદ આ જૂના પડતર કેસનો પણ ઝડપથી નિકાલ આવશે તેવી આશા કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *