પોલીસ-વન વિભાગે રસ્તો રોકતા સાંસદ મનસુખ વસાવા કાળઝાળ, પોલીસે ગાળો ભાંડ્યાનો ગંભીર આરોપ

નર્મદા જિલ્લામાં જંગલ જમીનના માલિકી હક અને ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભાજપના જ અગ્રણી અને દિગ્ગજ આદિવાસી સાંસદ મનસુખ વસાવા જ્યારે…

નર્મદા જિલ્લામાં જંગલ જમીનના માલિકી હક અને ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભાજપના જ અગ્રણી અને દિગ્ગજ આદિવાસી સાંસદ મનસુખ વસાવા જ્યારે ખોપી ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ કાફલો રોકીને તેમને આગળ વધતા અટકાવ્યા હતા. આ વિસ્તારમાં ચકલું પણ ન ફરકવું જોઈએ, તેવા આદેશના કારણે પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો.

સાંસદને અચાનક રસ્તામાં રોકી દેવામાં આવતા માહોલ તણાવપૂર્ણ બન્યો હતો અને મનસુખ વસાવા ભારે રોષે ભરાયા હતા. આ દરમિયાન ફરજ પરના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા તેમની સાથે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલવામાં આવી હોવાનો અત્યંત ગંભીર આક્ષેપ પણ સાંસદ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રશાસનના આ વલણથી વીફરેલા સાંસદની સ્થળ પર જ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતાવરણ ગરમ થઈ ગયું હતું.

આ ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા મનસુખ વસાવાએ ખુલ્લેઆમ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારના મંત્રીઓ ખેડૂતોના પ્રશ્નો બાબતે સમાધાનની વાતો કરે છે, જ્યારે બીજી તરફ અધિકારીઓ તદ્દન અલગ અને દમનકારી વલણ અપનાવી રહ્યા છે. સરકારની આ બેધારી અને બેવડી નીતિ (અ ક્યારેય સ્વીકાર્ય નથી તેમ જણાવીને તેમણે અધિકારીઓની મનમાની સામે સવાલો ઉઠાવ્યા હતા.
સાગબારા પંથકના ખેડૂતોની વેદના વાલવતા તેમણે માંગ કરી હતી કે જેમ સુરત જિલ્લામાં ખેડૂતોને ન્યાય મળ્યો છે, તે જ રીતે નર્મદાના ખેડૂતોને પણ જંગલ જમીન ખેડવા દેવામાં આવે. ખેડૂતોને તેમનો હક મળવો જ જોઈએ અને આ લડાઈમાં ખેડૂતો જ્યારે પણ જમીન ખેડવા જશે ત્યારે પોતે તેમની સાથે જ રહેશે તેવી મક્કમ જાહેરાત પણ તેમણે કરી હતી. સાંસદની આ આક્રમક ભૂમિકાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *