દ્વારકા જિલ્લામાં ગેસની પાઈપ લાઈન સામે બાળકોનો વિરોધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખાનગી કંપની દ્વારા ગેસની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખાનગી કંપની દ્વારા ગેસની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે રવિવારે આ વિરોધ પ્રદર્શનમાં બાળકો પણ જોડાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આશરે 29 જેટલા ગામોમાંથી પસાર થતી જીએસપીએલ કંપનીની ગેસની પાઈપ લાઈન નાખવા સંદર્ભે ખેડૂતો દ્વારા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો પોતાના ખેતરોમાં છાવણી નાખીને વિરોધ દર્શાવી રહ્યા છે. આટલું જ નહીં, તાજેતરમાં સંબંધિત તંત્રને તેઓની માંગ સંદર્ભેનું આવેદન પણ આપવામાં આવ્યું હતું. આ વચ્ચે રવિવારે શાળામાં રજા હોય, આ વિસ્તારના બાળકો પણ આંદોલનમાં જોડાયા હતા.

અહીં બાળકોએ ગેસ પાઈપ લાઈન અને વીજ લાઈન કંપનીઓનો વિરોધ પ્રદર્શિત કરતા સ્લોગન સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ બેનરોમાં બાળકોએ જણાવ્યું હતું કે દેશની શાન છે કિસાન, રોટલી કોમ્પ્યુટરમાં ક્યારેય ડાઉનલોડ નહીં થાય, ખેડૂતોનો શ્વાસ જ છે દેશનો સાચો વિકાસ, ખેડૂતોના ભોગે વિકાસ શા માટે?, ખેડૂત બચશે તો દેશ બચશે, ખેડૂતો ના ભોગે વિકાસ ન થાય, ખેડૂતો છે તો અનાજ છે, મારા માતા-પિતા કહે છે, જાન આપીશું પણ જમીન નહીં આપીએ, ઉભા પાકમાં જેસીબી ચલાવવાનું બંધ કરો આ સહિતના વિવિધ મુદ્દે બાળકોએ તેમના માતા-પિતા વતી નવતર રીતે રોષ પ્રદર્શિત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *