રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચ

સુરત-અમદાવાદ જેવી હાલત થશે તેવી તોફાની આગાહીથી શહેરીજનોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી, જાગરાણમાં સવારો સવાર ધમધમતુ રાજકોટ આ વખતે શાંત દેખાયું, મોસમનો કુલ વરસાદ…

સુરત-અમદાવાદ જેવી હાલત થશે તેવી તોફાની આગાહીથી શહેરીજનોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી, જાગરાણમાં સવારો સવાર ધમધમતુ રાજકોટ આ વખતે શાંત દેખાયું, મોસમનો કુલ વરસાદ 14 ઇંચ નોંધાયો

રાજકોટને પણ મેઘરાજા સુરત, અમદાવાદ અને ઉતર-દક્ષિણ ગુજરાતની જેમ ધમરોળી નાખશે તેવા તોફાની વરસાદની આગાહી હતી. ગઇકાલ સાંજથી ડ્હોળ પણ એવો જ રચાયેલો છે. ઘટાટોપ વાદળોની જમાવટ અને આકાશ સતત ગોરંભાયેલુ રહ્યુ છે પણ જે રીતે આગાહી હતી એ મુજબ ગાજ્યા મેહ હજુ સુધી વરસતા નથી. ગઇકાલે સાંજે 7 વાગ્યાથી આજે શનિવારે બીજા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં માત્ર ત્રણ ઇંચ જ વરસાદ પડ્યો છે. ગત સાંજથી સતત હળવાથી ભારે ઝાપટાં જ વરસી રહ્યા છે. ગઇકાલે જયાપાર્વતીનું જાગરણ હોવા છતા તોફાની વરસાદ તૂટી પડશે તો શું થશે તેવા ડરથી લોકો ઘરમાં જ પુરાઇ રહ્યા હતા. એક વાગ્યે તો રસ્તા સુમસામ થઇ ગયા હતા. જાગરણની રાત્રે સવારો સવાર ધમધમતું રાજકોટ આ વખતે તદ્દન અલગ જ નજરે પડ્યું હતું.

હવામાન વિભાગ અને વિવિધ આગાહીકારો દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તોફાની અને ધબધબાટી બોલાવી દે તેવા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે સમગ્ર શહેરમાં ભારે ડર અને ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. શુક્રવારે રાતથી જ ધોધમાર વરસાદી આફત ત્રાટકશે તેવા ભયથી લોકોમાં ફાડ પડી હતી. જો કે ’ગાજ્યા મેહ વરસ્યા નહીં’ તેમ મેઘરાજાએ માત્ર હળવા અને ભારે ઝાપટાં વરસાવીને સંતોષ માન્યો હતો.

દરમિયાન ભલે તોફાની વરસાદ ન પડ્યો હોય, પરંતુ સતત વરસાદી ઝાપટાંના કારણે વાતાવરણમાં ભારે આહલાદક પલટો આવ્યો હતો. સમગ્ર રાજકોટ જાણે કોઈ હિલ સ્ટેશન બની ગયું હોય તેવી ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, સતત ઝાપટાં પડવાના કારણે નીચાણવાળા વિસ્તારો, માર્ગો પર પાણી ભરાવાની અને વાહનચાલકોને કાદવ-કીચડના કારણે મુશ્કેલી વેઠવાની નોબત ચોક્કસ આવી હતી.

ગૃહિણીઓએ તો શાકભાજી સહિતનો બે-ત્રણ દિવસનો સ્ટોક પણ કરી નાખ્યો
મેઘરાજા આગામી બે દિવસ સુધી રાજકોટને ધમરોડી નાખશે અને જળબંબાકારની સ્થિતિ સર્જાશે તેવી બીકના કારણે ગૃહિણીઓ અને પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. સતત બે-ત્રણ દિવસ સુધી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે અને આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાશે તેવી દહેશતથી લોકો બજાર તરફ દોડ્યા હતા. ગૃહિણીઓએ શાકભાજી, દૂધ, બ્રેડ, બેકરીની આઇટમો અને દૈનિક જરૂૂરિયાતની વસ્તુઓનો મોટા પ્રમાણમાં એડવાન્સ સ્ટોક કરી લીધો હતો. કરિયાણા અને શાકભાજી માર્કેટમાં અચાનક ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ બે દિવસ ચાલે તેટલો સામગ્રીનો જથ્થો ભેગો કરી લીધો હતો,

શાળા-કોલેજ-ટ્યુશન ક્લાસીસ સંપૂર્ણ બંધ
આમતો તા.4 સુધી ભારે વરસાદની આગાહી છે પરંતુ શનિવારે સવારથી 48 કલાક સુધી તોફાની વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહીના લીધુ રાજ્ય સરકારે એવી સુચના આપી હતી કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન શૈક્ષણિક કાર્ય બંધ રખાવી શકે છે. અનરાધાર વરસાદ પડશે તેવી શક્યતામાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ગઇકાલે મોડી સાંજે કલેકટરે કરેલા આદેશના પગલે આજે શનિવારે રાજકોટમાં શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસીસ સંપુર્ણ બંધ રહ્યા હતા.

જિલ્લામાં સવારના 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ
રાજકોટ જિલ્લામાં આજે સવારના 6:00 થી બપોરના 12:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, સવારે 6 થી 12 વાગ્યા વચ્ચે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સૌથી વધુ 1.69 ઇંચ (43 એમ.એમ.) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાજકોટ તાલુકામાં 1.46 ઇંચ (37 એમ.એમ.), પડધરી તાલુકામાં 1.22 ઇંચ (31 એમ.એમ.) અને લોધિકા તાલુકામાં 1.02 ઇંચ (26 એમ.એમ.) વરસાદ પડ્યો છે. વિંછિયા તાલુકામાં 0.87 ઇંચ (22 એમ.એમ.), કોટડા સાંગાણી તાલુકામાં 0.83 ઇંચ (21 એમ.એમ.), ગોંડલ તાલુકામાં 0.79 ઇંચ (20 એમ.એમ.), જામકંડોરણા તાલુકામાં 0.47 ઇંચ (12 એમ.એમ.), જેતપુર તાલુકામાં 0.43 ઇંચ (11 એમ.એમ.), ધોરાજી તાલુકામાં 0.16 ઇંચ (4 એમ.એમ.) અને ઉપલેટા તાલુકામાં 0.12 ઇંચ (3 એમ.એમ.) વરસાદ નોંધાયો છે.

7 સ્થળે તોતીંગ વૃક્ષ ધરાશાયી, લલુડી વોંકળી પાસે રસ્તો બ્લોક

ડાળી અથવા અંશત: વૃક્ષ પડવા સહિત 12 ફરિયાદ
ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી મુજબ મેઘરાજાએ તેનો મીજાજ બતાવ્યો નથી પરંતુ સતત હળવા અને ભારે ઝાપટાં વચ્ચે શહેરમાં સાત સ્થળે તોતીંગ વૃક્ષ ધરાશાયી થઇ ગયા હતા. જેમા લલુડી વોંકળી પાસે રસ્તો બ્લોક થઇ જતા ગાર્ડન અને ફાયર બ્રિગેડના સ્ટાફને દોડી જવુ પડ્યુ હતુ. અન્ય સ્થળમાં કેવડાવાડી, સદર પોસ્ટ ઓફિસ પાસે, રેસકોર્સ રિંગરોડ પર આયકરભવન પાસે, રૈયા રોડ પર બાપા સિતારામ ચોકથી ગોપાલ ચોક વચ્ચે પેરેડાઇઝ હોલની સામે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક વૃક્ષ પડતા મનપાના સ્ટાફને દોડી જવુ પડ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *