મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 6નાં મોત, અનેક લોકો કાટમાળમાં ફસાયા

  મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભિવંડી વિસ્તારમાં ‘કોહિનુર’ નામની 4 માળની ઇમારત અચાનક ધારાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 6…

 

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભિવંડી વિસ્તારમાં ‘કોહિનુર’ નામની 4 માળની ઇમારત અચાનક ધારાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયાં છે, જ્યારે હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

આ ઘટનાની જાણ થતાં જ NDRF, ભિવંડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને મ્યુનિસિપલ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવવાનું અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

નગર નિગમના અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગમાં 48 રૂમ હતા, જેમાં દરેક માળ પર 12 રૂમ બનેલા હતા. નિગમે આ ઇમારતને પહેલાથી જ ખતરનાક જાહેર કરી દીધી હતી. જે સમયે આ દુર્ઘટના થઈ, તે સમયે ઇમારતમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ જૂની ઇમારતમાં છેલ્લા કેટલાક દિવસોથી રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન કોન્ટ્રાક્ટર અને મજૂરો દ્વારા ઇમારતના 3 પિલર તોડી નાખવામાં આવ્યા હતા. પિલર તૂટવાના કારણે ઇમારતની પાયાની મજબૂતાઈ જોખમાઈ ગઈ અને તે પોતાનું સંતુલન ગુમાવીને સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી.

અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે; દેવજી નગરના રહેવાસી 32 વર્ષીય શમીમ શેખનો મૃતદેહ મળી આવ્યો છે, અને બે અન્ય લોકોના મૃતદેહ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

રાહતની વાત એ છે કે ઇમારત ધરાશાયી થતા પહેલા વિચિત્ર અવાજો આવતા મોટાભાગના રહેવાસીઓ સમયસૂચકતા વાપરીને સમયસર બહાર ભાગી છૂટ્યા હતા. જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. તેમ છતાં, પહેલી માળ પર રહેલા કેટલાક લોકો અને ત્યાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. પ્રશાસન દ્વારા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *