બગદાણા આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ભાવનગરના પ્રસિદ્ધ બગદાણા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ’બાપા સીતારામ’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. ગુરુ…

ભાવનગરના પ્રસિદ્ધ બગદાણા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ’બાપા સીતારામ’ના નાદ ગુંજી ઉઠ્યા હતા.
ગુરુ આશ્રમ બગદાણામાં ગુરુ પૂજન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ હજારો લોકોએ બાપાના દર્શન કર્યા હતા. સવારમાં મંગળા આરતીથી લઈને ગુરુ પૂજન, મહાપ્રસાદ અને ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીને સફળ બનાવવા માટે સાત હજારથી વધુ સ્વયંસેવકોની ટીમ સેવા માટે ખડેપગે હાજર રહી હતી. ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 5 હજાર કિલો લાડુ, 7 હજાર કિલો ગાંઠિયા અને 10 હજાર કિલો શાકભાજીનો સમાવેશ થતો હતો.

ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સુપ્રસિદ્ધ બગદાણા ધામ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગઈકાલથી જ બગદાણા તરફ જતા તમામ માર્ગો પર ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે બાપા સીતારામના દર્શન કરવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા તેમજ પોતાના વાહનો દ્વારા બગદાણા પહોંચ્યા હતા. આ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો હતો.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે તળાજાથી બગદાણા સુધીના હાઇવે પર અનેક સેવાભાવી સંસ્થાઓ, યુવાનો અને દાતાશ્રીઓ દ્વારા વિવિધ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોએ યાત્રાળુઓને જરૂૂરી સહાય પૂરી પાડી હતી. હાઇવે પર ઠેર ઠેર ચા, નાસ્તો, ઠંડા પીણાં, છાશ, પાણી તેમજ ભોજન પ્રસાદની નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક સ્થળોએ સેવાભાવીઓ રાતભર જાગીને સતત સેવા બજાવતા જોવા મળ્યા હતા, જેથી બગદાણા તરફ જતા કોઈપણ શ્રદ્ધાળુને રસ્તામાં તકલીફ ન પડે.

સેવાભાવીઓએ પ્રેમ અને સમર્પણની ભાવનાથી દરેક યાત્રિકનું સ્વાગત કરી તેમને પ્રસાદ અને જરૂૂરી સુવિધાઓ પૂરી પાડી હતી. ભક્તોએ પણ સેવાભાવીઓની આ નિ:સ્વાર્થ સેવાને બિરદાવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *