રૈયાધાર અને ન્યારી વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે રૂબરૂ પાણીના સેમ્પલ ચકાસણી કર્યા બાદ વોર્ડ નં.18માં નાગરિકના ઘરે જઇ નળનું પાણી ચેક કર્યુ
રાજ્યમાં બે દિવસથી વરસાદનુ જોર હળવુ પડ્યુ છે અને રાજકોટ શહેરમાં મોટાભાગે વરાપ જેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા બે દિવસથી ફિલ્ડમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ગઇકાલે તેમણે રૈયાધાર અને ન્યારી વોટર ફિલ્ટ પ્લાન્ટ ખાતે પાણીના સેમ્પલની ચકાસણી કરી હતી અને આજે વોર્ડ નં.18માં નાગરિકના ઘરે જઇને પાણીના સેમ્પલ લઇને ગુણવતાની ચકસાણી કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત કાર્યરત ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ગઇકાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મુલાકાત લઈને શહેરને વિતરણ કરવામાં આવતા પીવાના પાણીની ગુણવત્તા, શુદ્ધિકરણ પ્રક્રિયા તેમજ લેબોરેટરીમાં કરવામાં આવતી વિવિધ વૈજ્ઞાનિક ચકાસણીઓનું સ્થળ પર જઈ વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. અગાઉ સવારે મ્યુનિ.કમિશનરે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પાણીના નમૂના ચકાસ્યા હતા.
મુલાકાત દરમિયાન કમિશનરએ ફિલ્ટર પ્લાન્ટમાં કાચા પાણીથી લઈને શુદ્ધ પાણીના વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ પાસેથી પાણી શુદ્ધિકરણની દરેક પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને ગુણવત્તાના ધોરણોનું કડક પાલન થાય તે માટે જરૂૂરી સૂચનાઓ પણ આપી હતી.
નિરીક્ષણ દરમિયાન ફિલ્ટર કરાયેલા પાણીમાં ક્લોરીનનું પ્રમાણ નિયત ધોરણ મુજબ જળવાઈ રહે છે કે નહીં તેની ચકાસણી ઓર્થો ટોલિડીન (Ortho-Tolidine) સોલ્યુશનની મદદથી કરવામાં આવી હતી. પીવાના પાણીમાં યોગ્ય પ્રમાણમાં ક્લોરીન જળવાઈ રહે તે જાહેર આરોગ્યની દૃષ્ટિએ અત્યંત જરૂૂરી હોવાથી આ પરીક્ષણની કામગીરીનું પણ કમિશનરએ નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત શહેરમાં વિતરણ માટે મોકલવામાં આવતા પાણીના નમૂનાઓ (સેમ્પલ) લઈને લેબોરેટરીમાં ટરબીડીટી મીટરની મદદથી પાણીની ટરબીડીટી (મેલાશનું પ્રમાણ) માપવાની પ્રક્રિયા પણ ચકાસવામાં આવી હતી. પાણી સંપૂર્ણપણે સ્વચ્છ અને નિર્ધારિત ગુણવત્તા મુજબ છે તેની ખાતરી માટે કરવામાં આવતી આ મહત્વપૂર્ણ પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન PH મીટરની મદદથી પાણીનું PH લેવલ માપવાની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પીવાના પાણીનું PH નિયત ધોરણમાં જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે લેબોરેટરીમાં કરવામાં આવતી ચકાસણીઓ અંગે પણ માહિતી મેળવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને પારદર્શક વહીવટી સેવાઓ પૂરી પાડવા સાથે શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટો ઝડપી ગતિએ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ કામગીરીઓની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા તથા સ્થળ પર જઈ નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની વ્યાપક ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ ફિલ્ડ વિઝિટ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વોર્ડ નં. 18ના ન્યુ લાલબહાદુર નગર વિસ્તારમાં નાગરિકોના ઘરે જઈ પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. ત્યારબાદ કોઠારિયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે નિર્માણાધીન મટિરિયલ રિકવરી ફેસિલિટી (ખછઋ)ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અંતે સાઉથ ઝોન ઓફિસના નિર્માણકાર્યની પ્રગતિનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને અમલીકરણ એજન્સીને જરૂૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
સાઉથ ઝોન ઓફિસના નિર્માણકાર્યની વિસ્તૃત સમીક્ષા
મ્યુનિસિપલ કમિશનરએ સાઉથ ઝોન ઓફિસના નિર્માણકાર્યની સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સંબંધિત અધિકારીઓ તથા અમલીકરણ એજન્સી પાસેથી પ્રોગ્રેસીવ રિપોર્ટ મેળવી પ્રોજેક્ટના દરેક તબક્કાની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાંધકામની વર્તમાન સ્થિતિ, પૂર્ણ થયેલ કામગીરી, બાકી રહેલ કામગીરી, સમયપત્રક મુજબની પ્રગતિ, ગુણવત્તા નિયંત્રણ, માનવબળની ઉપલબ્ધતા, સામગ્રીની ઉપલબ્ધતા, આગામી તબક્કાની કામગીરી, જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરએ એજન્સીને સૂચના આપી હતી કે પ્રોજેક્ટના દરેક તબક્કામાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે તેમજ નિયત સમયમર્યાદામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવે. કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે જરૂૂરી આયોજન કરી દૈનિક મોનિટરિંગ કરવામાં આવે તેમજ કામગીરીની નિયમિત સમીક્ષા કરવામાં આવે.
વોર્ડ નં. 18માં નાગરિકોના ઘરે જઇ પાણીનો રંગ અને સ્વચ્છતાની ચકાસણી કરી
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં. 18માં આવેલ ન્યુ લાલબહાદુર નગર વિસ્તારમાં પાણી વિતરણના સમય દરમિયાન સીધા જ રહેવાસીઓના ઘરે પહોંચી પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. સામાન્ય રીતે અધિકારીઓ કચેરીમાં મળતી રજૂઆતોના આધારે નિર્ણય લેતા હોય છે, પરંતુ નાગરિકોને મળતી વાસ્તવિક સેવાઓની ગુણવત્તા જાણવા માટે કમિશનરએ ફિલ્ડમાં જઈ જાતે જ પાણીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. રહેવાસીઓના ઘરે પહોંચી તેમણે નળમાંથી આવતું પીવાનું પાણી નિહાળ્યું, પાણીનો રંગ, સ્વચ્છતા, દબાણ તેમજ પુરવઠાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
કોઠારિયા ખાતે નિર્માણાધીન મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF)ની સ્થળ મુલાકાત:
ફિલ્ડ વિઝિટ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એચ. પટેલ દ્વારા કોઠારિયા ટ્રાન્સફર સ્ટેશન ખાતે નિર્માણાધીન મટિરિયલ રિકવરી ફેસિલિટી(Material Recovery Facility MRF)ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન સંબંધિત વિભાગના અધિકારીઓ, ઇજનેરો તથા અમલીકરણ એજન્સીના પ્રતિનિધિઓ દ્વારા પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
