ઇન્દ્રપ્રસ્થનગરમાં ખાડા-રબડી-ગટરના પાણી-સાપનું સામ્રાજય

10-15 વર્ષથી ગંભીર સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ મોટી સંખ્યામાં થાળી-વેલણ વગાડીને મનપા અને કોર્પોરેટર સામે વિરોધ નોંધાવ્યો રાજકોટ શહેરમાં ચોમાસામાં અનેક રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ…

10-15 વર્ષથી ગંભીર સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ મોટી સંખ્યામાં થાળી-વેલણ વગાડીને મનપા અને કોર્પોરેટર સામે વિરોધ નોંધાવ્યો

રાજકોટ શહેરમાં ચોમાસામાં અનેક રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને બિસ્માર રોડ-રસ્તાની સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. શહેરના વોર્ડ નંબર 1માં ઇન્દ્રપ્રસ્થ નગર, બંસી પાર્ક, શાંતિનિકેતન તેમજ અક્ષર રેસિડેન્સી સહિતની સોસાયટીઓના સ્થાનિક રહીશો તંત્રની ધોર ઉપેક્ષાથી ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા 10થી 15 વર્ષથી કાચા રોડ, ખાડા-ખબડા, ચોમાસામાં ભરાતા પાણી અને ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક નાગરિકોએ અંતે નછૂટકે વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો.

રસ્તા ઉપર ઊતરેલા સ્થાનિકોમાં ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈ થાળી અને વેલણ વગાડીને મનપા તંત્ર તથા સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, નેતાઓ મત માંગવા સમયે કહે છે કે તમારું કામ થઈ જશે, પણ પછી કાંઈ થતું નથી.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીઓ તરફ આવતો મુખ્ય ઢાળિયાવાળો રસ્તો અત્યંત કાચો અને બિસમાર હાલતમાં છે. ચોમાસા દરમિયાન માત્ર સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો ધોવાઈ જાય છે અને ચારેય તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. આ બિસ્માર રસ્તાઓને કારણે દ્વિચક્રી વાહનો સ્લિપ થઈ જવાના બનાવો રોજના બની ગયા છે. શાળાએ જતા નાનાં બાળકો, મહિલાઓ અને વયસ્ક વૃદ્ધો માટે આ રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. વારંવાર વાહનો ખરાબ થઈ જવા અને સ્લિપ થઈ જવાથી સ્થાનિકોને શારીરિક તથા આર્થિક સહન કરવાનો વારો આવ્યો છે.

ઉપરાંત કાચા અને બિસ્માર ઢાળિયા વિસ્તારમાંથી અવારનવાર ઝેરી જીવજંતુઓ તથા સાપ પણ નીકળતા હોવાથી વિસ્તારના લોકોમાં ભારે ભયનો વાતાવરણ ફેલાયેલું રહે છે.આ વિસ્તારમા જ રહેતા સિનિયર સીટીઝન પ્રફુલભાઈ જોશીએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી આ રફ રસ્તો છે, અવારનવાર અહીંથી સાપ નીકળે છે, જે મોટામાં મોટી તકલીફ છે. જો આ ઢાળિયાનું રિપેરિંગ થઈ જાય તો સૌને મોટી રાહત મળે તેમ છે. આ 4 સોસાયટી ઇન્દ્રપ્રસ્થ નગર, બંસી પાર્ક, શાંતિનિકેતન અને અક્ષર રેસિડેન્સીના મળી લગભગ 10થી 12 હજાર લોકો દરરોજ આ રસ્તેથી અવરજવર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *