ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં ગાયને માત્ર પશુ નહીં, પરંતુ ’માતા’નો સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. શહેર અને જિલ્લામાં ગૌવંશ પ્રત્યેની આ અતૂટ આસ્થા અને સન્માન વ્યક્ત કરતા આજે રાજકોટમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ-સંતો અને ગૌસેવકો એકત્રિત થયા હતા. ગાય માતાને સત્તાવાર રીતે ભારતની ’રાષ્ટ્રમાતા’ ઘોષિત કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંતો-મહંતોની આગેવાની હેઠળ યુવાનો અને સનાતન પ્રેમીઓએ કલેક્ટર કંપાઉન્ડમાં રામધૂન બોલાવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવેલા આવેદનપત્રની સૌથી વિશેષ બાબત એ હતી કે તેમાં કોઈ એક સંસ્થા નહીં, પરંતુ લાખો લોકોની ભાવના જોડાયેલી હતી. ગૌપ્રેમીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવેલી ઝુંબેશના ભાગરૂૂપે આ આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.ગાયને ’રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની આ મુખ્ય માંગ સાથે આવેદનપત્રમાં કુલ દોઢ લા) લોકોની સહીઓ એકત્ર કરવામાં આવી છે.માથા પર પુષ્પમાળાથી સુશોભિત આવેદનપત્ર મૂકીને સાધુ-સંતોએ અત્યંત સન્માનપૂર્વક કલેક્ટર કચેરીમાં પ્રવેશ કર્યો હતો.
કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપતી વેળાએ ગૌપ્રેમીઓએ અને ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે, જો સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ ધાર્મિક અને લોકભાવના સાથે જોડાયેલી માંગણી વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ શાંતિપૂર્ણ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે કે આંદોલન આક્રમક બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની રહેશે.
