શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સંભવિત રોગચાળાને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. તારીખ 20/07/2026 થી તા.26/07/2026 દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોની અટકાયત માટે પાલિકાના તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મચ્છરજન્ય રોગનો કોઇ કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્ર્વાસ લીધો છે.
ડેન્ગ્યૂ ફેલાવનાર એડીસ મચ્છર દિવસના સમયે કરડતો હોવાથી અને તેનો ઉપદ્રવ ઝડપથી વધતો હોવાથી મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સાફસફાઈના અભાવ અને ચોખ્ખા પાણીના પાત્રોમાં મચ્છરોના પ્રજનનને અટકાવવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે.વાહક નિયંત્રણ હેઠળ આ એક સપ્તાહમાં કુલ 21,223 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે.
ફિલ્ડ વર્કરો દ્વારા 262 ઘરોમાં ફોગિંગ કરાયું હતું. આ ઉપરાંત, મચ્છરની વધુ ઘનતાવાળા વિસ્તારો અને સંવેદનશીલ સોસાયટીઓમાં વ્હીકલ માઉન્ટેડ મશીનો દ્વારા પણ ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પત્તિ માટે જવાબદાર રહેણાંક અને વાણિજ્યિક એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. ક્ધસ્ટ્રક્શન સાઈટ, શાળાઓ, હોસ્પિટલો, હોટેલ્સ અને ઇન્ડસ્ટ્રીઝ સહિત કુલ 677 પ્રિમાઇસીસની ચકાસણી કરાઈ હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર રહેણાંક વિસ્તારોના 101 અને કોમર્શિયલ 271 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગત સપ્તાહે એક પણ મેલરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા કેસ નોંધાયો નથી. શરદી-ઉધરસ 879,સામાન્ય તાવ 916,ઝાડા ઉલટી 417,ટાઈફોઈડ તાવ 2,કમળો 1નો કેસ નોંધાયા છે.
