ધ્રાંગધ્રા નજીક હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો છે. હકાભા ગઢવીની ગાડી ધ્રાંગધ્રાના બૈસાબગઢ પાસે નદીમાં ખાબકી ગઈ હતી. બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં પાણી ભરાઈ જવાના કારણે દરવાજો ખોલી શકાતો ન હતો જોકે આસપાસના લોકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહામહેનતે હકાભા ગઢવીને ગાડીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચેના રસ્તા પર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો હતો. તેઓ કાર ચલાવી રહ્યા હતા આ દરમિયાન અચાનક રસ્તા પર એક સાપ આડો ઉતર્યો હતો. સામે આવેલા સાપને બચાવવાના ચક્કરમાં તેમણે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર રસ્તા કિનારે આવેલા પાણીના ખાડામાં ખાબકી હતી.
હકાભા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત હકાભા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે અકસ્માતમાં હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી
