એશિયન ગેમ્સ 2026માં ટકરાશે ભારત-પાકિસ્તાન

જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ અને ડ્રોની જાહેરાત કરવામાં આવી છે. એશિયન ગેમ્સમાં આ ચોથી વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો…

જાપાનના આઇચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ અને ડ્રોની જાહેરાત કરવામાં આવી છે. એશિયન ગેમ્સમાં આ ચોથી વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ 2010ના ગ્વાંગઝૂ, 2014ના ઇંચિયોન અને 2023ના હાંગઝૂ એશિયન ગેમ્સમાં ક્રિકેટ રમાઈ હતી. ભારત પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. શેડ્યૂલ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ વખત થઈ શકે છે.

પુરુષ અને મહિલા બંને કેટેગરીની તમામ મેચો ટી20 ફોર્મેટમાં રમાશે અને તમામ મેચને સત્તાવાર આંતરરાષ્ટ્રીય દરજ્જો મળશે. મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2026 સુધી યોજાશે, જ્યારે પુરુષોની સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી રમાશે. પુરુષોની ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને ટોપ સીડિંગ આપવામાં આવી છે. જેના કારણે આ ચારેય ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. જ્યારે બાકીની ચાર ક્વાર્ટર ફાઇનલની જગ્યાઓ માટે છ ટીમો વચ્ચે પ્રાથમિક (પ્રિલિમિનરી) રાઉન્ડ રમાશે. પ્રિલિમિનરી રાઉન્ડના બંને ગ્રુપમાંથી ટોચની બે-બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. સીડિંગને કારણે ભારત અને પાકિસ્તાન અલગ-અલગ હાફમાં છે. તેથી બંને ટીમો વચ્ચેનો મુકાબલો માત્ર સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ શક્ય બનશે. જોકે, તે માટે બંને ટીમોએ તે તબક્કા સુધી પહોંચવું ફરજિયાત રહેશે.

ભારતીય મહિલા ટીમ પણ સીડેડ ટીમ તરીકે સીધી ક્વાર્ટર ફાઇનલથી પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. ખિતાબ બચાવવાના ઈરાદા સાથે ઉતરનાર ભારતની પહેલી ક્વાર્ટર ફાઇનલ મેચ યજમાન જાપાન સામે રમાશે. ભારત અને જાપાન વચ્ચેની મેચ જીતનાર ટીમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશ અથવા ચીન સામે ટકરાશે. જ્યારે બીજી સેમિફાઇનલમાં શ્રીલંકા/મલેશિયાની વિજેતા ટીમની મેચ પાકિસ્તાન/થાઈલેન્ડની વિજેતા ટીમ સાથે થશે. એટલે કે મહિલા ક્રિકેટ સ્પર્ધામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર ફાઇનલમાં જ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *