શાપરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પિતાએ ઝઘડો કરી ધમકી આપતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સારવાર અર્થે લાવનાર પતિએ પણ ધમકીથી કંટાળી જઈ એસિડ ગટગટાવી લીધું હતું. પ્રેમ પંખીડાને ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપરમાં શિતળા માતાજીના મંદિર પાસે રહેતી અંજલીબેન સુનિલભાઈ સોલંકી નામની 19 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જે દરમિયાન સુનિલ સોલંકીએ પણ હોસ્પિટલમાં એસિડ ગટગટાવી લેતાં તેને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં અંજલીબેન સોલંકી મુળ ઉતર પ્રદેશની વતની છે અને સુનિલ સોલંકી શાપરનો વતની છે. બન્ને સાથે કામ કરતાં હતાં ત્યારે બન્નેની આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બન્ને પ્રેમી પંખીડાએ એક મહિના પૂર્વે જ પ્રેમ લગ્ન કરી લીધા હતાં. અંજલીબેનના પિતા દેવરાજભાઈ દારૂ પી ઝઘડો કરી અંજલીબેનને મારકુટ કરી ધમકી આપતાં હોવાથી અંજલીબેને ઝેરી દવા પી લીધી હતી. પત્નીને સારવારમાં લાવનાર પતિએ પણ સસરાથી કંટાળી એસિડ ગટગટાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
