વલસાડમાં અંધાધૂંધ 40 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિ

નવસારી-સુરતને પણ ધમરોળી નાખ્યા, અનેક વિસ્તારોમાં છાતીડૂબ પાણી ભરાયા, જનજીવન પાણીમાં બાન ઉમરગાંવમાં બે દિવસમાં 45 ઇંચ, 24 કલાકમાં નાનાપોંઢામાં 25.31, ધરમપુરમાં 19.65, પારડીમાં 17.64,…

નવસારી-સુરતને પણ ધમરોળી નાખ્યા, અનેક વિસ્તારોમાં છાતીડૂબ પાણી ભરાયા, જનજીવન પાણીમાં બાન

ઉમરગાંવમાં બે દિવસમાં 45 ઇંચ, 24 કલાકમાં નાનાપોંઢામાં 25.31, ધરમપુરમાં 19.65, પારડીમાં 17.64, વાંસદામાં 17.13, વાપીમાં 16, ડોલવાણમાં 15 ઇંચ વરસાદથી પાણીપાણી

ગુજરાતમાં મોડા મંડાયેલા મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં અચાનક જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને છેલ્લા 48 કલાકમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તાપી જિલ્લાને ધમરોળી નાખ્યા છે. ગઇકાલે સવાર સુધીમાં વલસાડ જિલ્લાના કપરાડામાન 16 ઇંચ વરસાદ ખાબકયા બાદ આજે સવાર સુધીમાં વધુ 29 ઇંચ વરસાદ ખાબકતા 48 કલાકમાં 45 ઇંચ અંધાધુંધ વરસાદ પડી ગયો છે જેના કારણે આખુ કપરાડા જાણે ડુબી ગયું છે.
આ સિવાય આજે સવાર સુધીમાં વલસાડના ઉમરગાંવમાં 35.67 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65, પારડીમાં 17.64 ઇંચ અને વલસાડમાં 16 ઇંચ વરસાદ ખાબકયો છે. જેના કારણે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાયેલ છે. અનેક વિસ્તારોમાં છાતીડુબ પાણી ભરાતા જનજીવન પાણીમાં બાન પકડાયુ છે.

જયારે નવસારી જિલ્લાના વાંસદામાં 24 કલાકમાં 17.13, વાપીમાં 16.26 ઇંચ, તાપીના ડોલવાણમાં 14.88, ડાંગના વધઇમાં 14.53, ખેરગ્રામમાં 14.09, વાલોદમાં 10, સુરતના ઉમરપાડા તથા તાપીના વ્યારામાં 10 ઇંચ, સુરતના અંબિકામાં 8.74 ઇંચ, પલસાણામાં 8.23, નવસારીના ચીખલીમાં 7.91, ગણદેવીમાં 7.72, સોનગઢમાં 7.48, જલાલપુરમાં 7.24, સુરતના મહુવામાં 7.09 ઇંચ, નવસારી-બારડોલીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌથી ખરાબ હાલત વલસાડની છે. જયાં ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યાના 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડયા બાદ આજે સવારે 6 થી 10 વચ્ચે બેફામ 10 ઇંચ વરસાદ ખાબકયો હતો.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ અભૂતપૂર્વ કહેર વરસાવ્યો છે. છેલ્લા 48 કલાકમાં ઉમરગામ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર તાલુકો જાણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે ઉમરગામ તરફ જતા તમામ મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે તાલુકો જિલ્લા કેન્દ્રથી લગભગ સંપર્કવિહોણો બન્યો છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.
અતિભારે વરસાદના કારણે માત્ર ઉમરગામ જ નહીં, પરંતુ સમગ્ર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જિલ્લાની ઔરંગા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાપી અને વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોના ઘરો, દુકાનો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે.

ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં રાત્રિ દરમિયાન ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. છીપવાડ, બરૂૂડીયાવાડ, વલસાડ પારડી, તરીયાવાડ, હનુમાનભાગડા અને ભદેલી સહિતના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સ્થિતિ સતત ગંભીર બનતી જતાં તંત્ર પણ હાઈ એલર્ટ પર છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે મધુબન (દમણગંગા) ડેમનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ડેમમાં આશરે 2.65 લાખ ક્યૂસેક પાણીની આવક વચ્ચે જળસ્તર નિયંત્રિત રાખવા માટે 2 લાખ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. તેના પગલે નદી કાંઠાના ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ હોવાથી વલસાડ જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં વિનાશક પૂરનો ખતરો હજુ પણ યથાવત છે. જિલ્લા પ્રશાસન, ગઉછઋ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને બિનજરૂૂરી બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

 

378 રસ્તા બંધ
અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં 378 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. નેશનલ હાઇવે-48 પર પારડી, મોતીવાડા અને ઉદવાડા નજીક પાણી ભરાઈ જતાં હાઇવેનો એક ભાગ બંધ કરવો પડ્યો છે. ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનો કલાકો સુધી અટવાઈ ગયા હતા.

સુરત,વલસાડ અને નવસારીમાં મંત્રીઓ-સચિવોની ટીમ દોડાવાઇ

વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં રાહત, બચાવ અને વહીવટી મદદને વધુ વેગવંતી બનાવવા માટે મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ વરિષ્ઠ સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને ખાસ આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થળ પર જ રવાના કર્યા છે. આ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર જઈને પૂરની સ્થિતિ, રાહત છાવણીઓ અને પાણીના નિકાલની કામગીરીનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી જરૂૂરિયાતમંદ લોકો સુધી ત્વરિત મદદ પહોંચાડી શકાય. આ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે જે જે જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, તે તમામ સંવેદનશીલ જિલ્લાઓમાં સંબંધિત પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પોતાના પ્રભારી જિલ્લાઓમાં પહોંચી જવાની સ્પષ્ટ સૂચનાઓ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *