વિસાવદરમાં મોડીરાતે 18 ફૂટ ઉંચી દીવાલ કુદી દીપડો ઘરમાં ત્રાટક્યો, વૃધ્ધાને લોહીલુહાણ કર્યા

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક વન્યપ્રાણીઓના આટાફેરા અને માનવ વસવાટ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. વિસાવદર તાલુકાના જાંબુડી ગામની…

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક વન્યપ્રાણીઓના આટાફેરા અને માનવ વસવાટ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. વિસાવદર તાલુકાના જાંબુડી ગામની સીમમાં આવેલી વાડીમાં મધરાતે એક અત્યંત હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. શિકારની શોધમાં આવેલો એક હિંસક દીપડો રહેણાંક મકાનની 18 ફૂટ ઊંચી કંપાઉન્ડ વોલ કૂદીને ઘરમાં ઘૂસ્યો હતો અને નિદ્રાધીન વૃદ્ધા પર ત્રાટક્યો હતો. દીપડાના આ રક્તરંજિત હુમલામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જાંબુડી ગામના સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં રહેતા પુંજાભાઈ જેસાભાઈ વાળાના પરિવાર પર મધરાતે આકાશી આફત આવી પડી હતી. તેમના માતા ડાહીબેન જેસાભાઈ વાળા ઘરમાં શાંતિથી ઊંઘી રહ્યા હતા, ત્યારે શિકારની શોધમાં ભટકતો દીપડો મકાનની ચારેય તરફ આવેલો આશરે 18 ફૂટ ઊંચો વંડો ઠેકીને અંદર ઘૂસ્યો હતો. ઓસરીના માર્ગેથી સીધો ઘરમાં પ્રવેશીને દીપડાએ ઊંઘી રહેલા ડાહીબેન પર અચાનક હુમલો કરી દીધો હતો. હિંસક પશુએ વૃદ્ધાના માથાના ભાગે, હોઠ, પીઠ અને અન્ય નાજુક અંગો પર તીક્ષ્ણ નહોર અને દાઢ મારીને તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. અચાનક થયેલા હુમલાથી ગભરાયેલા ડાહીબેને બૂમાબૂમ કરી મૂકતાં નજીકમાં ઊંઘી રહેલા પરિવારના અન્ય સભ્યો તુરંત જાગી ગયા હતા. લોકોની બૂમો અને અવાજ સાંભળીને દીપડો ગભરાઈને અંધારામાં ભાગી છૂટ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે ડાહીબેન ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. પરિવારે તુરંત જ તેમને વિસાવદર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ તેમની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તના પુત્ર પુંજાભાઈ વાળાના જણાવ્યા મુજબ, વન વિભાગ દ્વારા અગાઉ ગોઠવાયેલા પાંજરામાં આ ચાલાક દીપડો આવતો નથી અને ખુલ્લામાં ફરીને સતત માનવજિંદગી માટે જોખમ ઊભું કરી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ માગ કરી છે કે વન વિભાગ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડી લે, જેથી લોકો ભયમુક્ત બનીને ખેતીકામ કરી શકે. બીજી તરફ, વનવિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, દીપડો દેખાય તો નજીક જવાનો પ્રયાસ કર્યા વિના તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *