મોરબી મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક અને બોટાદનો વધારાનો ચાર્જ સંભાળતા વર્ગ-2 ના અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી, (રહે. મન મંદિર સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, વાંકાનેર) ને રૂૂા. 50,000 ની લાંચ લેતા રાજકોટ શહેરના કસ્તુરબા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
ફરિયાદીએ ચાલુ વર્ષે મત્સ્યઉદ્યોગ ખાતામાં વિવિધ ટેન્ડરો ભર્યા હતા. જે પૈકી ફરિયાદીના ત્રણ ટેન્ડર મંજૂર થયા હતા અને ચાર ટેન્ડર રિજેક્ટ થયા હતા. મંજૂર થયેલા ટેન્ડરોના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરોના ડીમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત આપવાની અવેજીમાં આક્ષેપિત અધિકારી ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીએ રૂૂા. 1,00,000 ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે લાંચની રકમ રૂૂા. 50,000 નક્કી કરવામાં આવી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 22 જુલાઈ 2026 ના રોજ રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકથી આગળ, કસ્તુરબા રોડ પર આવેલી એસ.બી.આઈ. બેંક નજીક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન ખોડાભાઈ રામાણીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂૂા. 50,000 ની માંગણી કરી સ્વીકારતા જ સ્થળ પર હાજર એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. એસીબી દ્વારા લાંચની સંપૂર્ણ રૂૂા. 50,000 ની રકમ સ્વીકારાયેલી સ્થળ પરથી જ રિકવર કરી લેવામાં આવી છે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો આચરવા બદલ આક્ષેપિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ ટ્રેપની કામગીરી ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.જે. ગીડા તથા ભાવનગર એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રેપિંગ અધિકારીની મદદમાં ભાવનગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી તથા અમરેલી એસીબીનો સ્ટાફ જોડાયો હતો. આ સમગ્ર ટ્રેપનું સુપરવિઝન ભાવનગર એકમના એસીબી મદદનીશ નિયામક એસ.એન. બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરીના ઇન્ચાર્જ અધિકારી તરીકે રાજકોટ એકમના એસીબી નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલા રહ્યા હતા.
