અંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડો પાડી 40…

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીના એક મકાનમાં ડ્રગ્સની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાની માહિતીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે દરોડો પાડી 40 લાખના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ડીઆરઆઈની ટીમે 2-બ્રોમો-4-મેથાઇલપ્રોપિયોફેનોન નામનું કેમિકલ જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં આ કેમિકલનો ઉપયોગ એમડી નામના નશીલા પદાર્થના ઉત્પાદન માટેના રો મટીરિયલ તરીકે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેફેડ્રોનને સામાન્ય ભાષામાં ’મ્યાઉં મ્યાઉં’ તરીકે ઓળખવામાં આવે છે.

દિલ્હી-સુરતની ડીઆરઆઈ ટીમે સયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. દરોડા દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો તેમજ તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતું રો મટીરિયલ મળી આવ્યું છે. ડીઆરઆઈ દ્વારા સ્થળ પરથી આશરે રુ.40 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સના આ ગેરકાયદેસર કારોબારમાં સંકળાયેલા 3 શંકાસ્પદ વ્યક્તિઓની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લેવામાં આવી છે. દરોડા બાદ ટીમે સમગ્ર મકાનને સીલ કરી દીધું છે અને ડ્રગ્સ બનાવવા માટેનું કાચું મટીરિયલ ક્યાંથી લાવવામાં આવતું હતું તેમજ આ ડ્રગ્સનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂૂ કરી છે. અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાંથી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ડીઆરઆઈની ટીમ દ્વારા સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા કેમિકલની ફોરેન્સિક તપાસ સહિત અન્ય કાયદેસરની કાર્યવાહી પણ ચાલુ છે. તપાસના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને તેના નેટવર્ક અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે. આ સમગ્ર મામલે ડીઆરઆઈ તરફથી કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ ડ્રગ્સની મિનિ ફેક્ટરી કેવી રીતે સંચાલિત થતી હતી, તેમાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને કેટલા પ્રમાણમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અંગેની હકીકતો સ્પષ્ટ થશે.

અંકલેશ્વરમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા કારોબારીઓ સામે દિલ્હી અને સુરત ડીઆરઆઈની ટીમે મોટી કાર્યવાહી કરી ઉમિયા ફાર્મ સોસાયટીમાં એક મકાન ભાડે રાખીને ગુપ્ત રીતે ચલાવવામાં આવતી ડ્રગ્સ ફેક્ટરી પર સંયુક્ત દરોડા પાડીને કરોડોના કાળા કારોબારનો ખુલાસો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *