નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી સંગઠન બેઠક દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. કાર્યકરોને સંબોધતા સંજય વસાવાને મંચ પર બોલાવતી વખતે સાંસદે કહ્યું, “સંજય, હવે આવ… તું તો હીરો છે યાર બધાનો. તારા લીધે તો ચૈતર જેલમાં ગયો.” સ્ટેજ પરથી બોલાયેલા આ શબ્દોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા શરૂૂ થઈ છે.
મનસુખ વસાવાના આ નિવેદનને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જોકે, સાંસદે આ ટિપ્પણી કયા ચોક્કસ સંદર્ભમાં કરી હતી તે અંગે તેમણે કોઈ અલગ સ્પષ્ટતા કરી નથી. ભાષણ દરમિયાન તેમણે ભૂતકાળની કેટલીક રાજકીય ઘટનાઓનો ઉલ્લેખ કરીને સંજય વસાવાની પ્રશંસા કરી હતી.
પોતાના સંબોધનમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ATVTની એક બેઠક દરમિયાન ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે મતભેદ સર્જાયા હતા. તેમના જણાવ્યા મુજબ, સંજય વસાવાએ તે બેઠકમાં ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો અને ત્યારથી બંને વચ્ચે રાજકીય ટકરાવ શરૂૂ થયો હતો. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે ચૈતર વસાવાનો વિરોધ માત્ર થોડા આગેવાનો સુધી મર્યાદિત નહોતો, પરંતુ સંજય વસાવાએ પણ તેમની સામે મક્કમતાથી લડત આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે સમગ્ર ઘટનાક્રમ અંગે કેટલીક એવી વિગતો તેમની જાણમાં છે, જે જાહેર મંચ પરથી કહેવી યોગ્ય નથી.
સાંસદે સંજય વસાવાને “ફાઇટરમેન” ગણાવતા કહ્યું કે તેઓ પક્ષની શિસ્તમાં રહીને કામ કરનારા કાર્યકર છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરો સમક્ષ તેમણે સંજય વસાવાના યોગદાનની પ્રશંસા કરી હતી. ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયેલી આ બેઠકમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મનસુખ વસાવાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ નિવેદન અંગે ચૈતર વસાવા અથવા અન્ય સંબંધિત પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
