માનગઢથી શંકરસિંહ વાઘેલાનું એલાન, અલગ ‘ભીલપ્રદેશ’ની માંગને સમર્થન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજસ્થાનના બાંસવાડા સ્થિત આદિવાસીઓના આસ્થાના પ્રતિક માનગઢ ધામ ખાતે યોજાયેલા વિશાળ સંમેલનમાં હાજરી આપીને અલગ ’ભીલ પ્રદેશ’ની માંગને સત્તાવાર અને…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજસ્થાનના બાંસવાડા સ્થિત આદિવાસીઓના આસ્થાના પ્રતિક માનગઢ ધામ ખાતે યોજાયેલા વિશાળ સંમેલનમાં હાજરી આપીને અલગ ’ભીલ પ્રદેશ’ની માંગને સત્તાવાર અને મજબૂત સમર્થન જાહેર કર્યું છે. આદિવાસી પરિવારના બેનર હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ચાર રાજ્યોમાંથી હજારો આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી સમુદાયો લાંબા સમયથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લાઓને એકસાથે જોડીને એક અલગ ‘ભીલ પ્રદેશ’ રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યા છે. આ પ્રસ્તાવિત ક્ષેત્રમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ અન્ય ત્રણ રાજ્યોના સરહદી વિસ્તારોને આવરી લેવાની કલ્પના કરવામાં આવી છે. આંદોલનકારીઓની દલીલ છે કે આ ચારેય સરહદી વિસ્તારોમાં વસતા લોકોની ભાષા, રીતિ-રિવાજો, પરંપરાગત સંસ્કૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિ સમાન છે. માનગઢ ધામ ખાતે શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સમાજે દેશની સંસ્કૃતિ, જંગલ અને પાણી બચાવ્યા છે છતાં તેઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. તેમણે આહ્વાન કર્યું કે વર્ષ 2027 કે 2029 આવે તે પહેલાં એવી કોશિશ થવી જોઈએ કે ઝારખંડની જેમ જ બંધારણમાં અલગ ‘ભીલ પ્રદેશ’ રાજ્ય બને.

તેમણે યુવાનોને એક થઈને પોતાના બંધારણીય અધિકારો અને રાજકીય અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રેરિત કર્યા. ભારત આદિવાસી પાર્ટી (BAP) અને BTP: બાંસવાડાના સાંસદ રાજકુમાર રોત અને છોટુભાઈ વસાવા જેવા નેતાઓ આ માંગના મુખ્ય સમર્થક છે. તેમનું માનવું છે કે બંધારણની પાંચમી અનુસૂચિ મુજબ આદિવાસી વિસ્તારોમાં તેમનું પોતાનું શાસન હોવું જોઈએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વાસાવા પણ આ વિચારધારા સાથે જોડાઈને અનેકવાર અલગ ભીલ પ્રદેશની માંગને સમર્થન આપી ચૂક્યા છે. સરકાર ગ્રામસભાઓને મજબૂત કરીને અને પેસા કાયદા હેઠળ જંગલ પેદાશો પર સ્વાયતતા આપીને આ માંગને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *