ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ મેઘરાજા મનમુકીને વરસતા ન હોવાથી હાલ ગુજરાતમાં સરેરાશ 26 ટકા વરસાદ જ નોંધાયો છે જે ગત વર્ષ (57 ટકા)ની સરખામણીએ 31 ટકાની ઘટ દર્શાવે છે.
સરકારી ચોપડે 15 જુને ચોમાસુ બેસતું હોય છે. હાલ ચોમાસાને સપા મહિનો વીતિ જવા છતાં અષાઢ મહિનામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા નથી પરિણામે રાજ્યમાં માંડ 26 ટકા વરસાદ પડયો છે. ગત વર્ષે 18 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 57 ટકા વરસાદ પડી ગયો હતો. જ્યારે આ વર્ષે 31 ટકાની ખાદ્ય પ્રવર્તી રહી છે. રાજ્યમાં હજુ 60 થી વધુ તાલુકામાં વાવણી પણ બાકી છે. જ્યારે પ્રથમ રાઉન્ડમાં જે વાવેતર થયું છે. તેની ઉપર પણ જોખમ સર્જાયું છે.
આજ સુધીનો વરસાદ જોઈએ તો સાઉથ ગુજરાતમાં 36.71 ટકા, સૌરાષ્ટ્રમાં 28.89 ટકા, પૂર્વ મધ્યમાં 18.68 ટકા, નોર્થ ગુજરાતમાં 14.42 ટકા અને કચ્છમાં માત્ર 3.42 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 26 તાલુકા સેવા છે જ્યાં બે ઈંચ સુધી જ વરસાદ પડયો છે જ્યારે 81 તાલુકામાં બે થી પાંચ ઈંચ અને 83 તાલુકામાં પાંચ ઈંચથી માંડી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. 42 તાલુકામાં 10 થી 20 ઈંચ, 27 તાલુકામાં 20 થી 40 ઈંચ અને પાંચ તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ પડયો છે.
ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી રહેતા વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં મેઘમહર જોવા મળી હતી, પરંતુ એકંદર સ્થિતિ ચિંતાજનક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં સારું રહ્યું હતું. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેરગામમાં 2.17 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ, પેટલાદમાં 2.05 ઇંચ, સોજીત્રામાં 1.97 ઇંચ, ઘોઘંબામાં 1.77 ઇંચ, નાનાપોંઢામાં 1.46 ઇંચ, ભાવનગરમાં 1.42 ઇંચ, પલસાણામાં 1.42 ઇંચ, વાલિયામાં 1.18 ઇંચ, ધરમપુરમાં 1.06 ઇંચ, બારડોલીમાં 0.98 ઇંચ, સિનોરમાં 0.87 ઇંચ, બરવાળામાં 0.83 ઇંચ, પારડીમાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં માત્ર 4.60 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ 9.64 ઇંચ વરસાદ થવો જોઈએ. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ખોટને કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.
